મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

આરટીઆઈ હેઠળ CJIને લાવવા સંદર્ભે કાલેચુકાદો

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામની નજર કેન્દ્રિત : બપોરે સુપ્રીમની બંધારણીય બેંચનો ચુકાદો આવશે : દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકતી અરજીઓ પર ચુકાદો

નવીદિલ્હી, તા. ૧૨ : ૭૦ વર્ષથી કાયદાકીય ગુંચમાં રહેલા અયોધ્યા મામલામાં ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (આરટીઆઈ)ની સમીક્ષા હેઠળ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ)ના હોદ્દાને લાવવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર ચુકાદો આપનાર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા આ અંગેનો ચુકાદો આવતીકાલે બપોરે ૨ વાગે જાહેર કરવામાં આવનાર છે. આ ચુકાદા ઉપર પણ કાયદાકીય નિષ્ણાતોની નજર કેન્દ્રીત રહી છે.  પાંચ જજની બંધારણીય બેંચમાં અન્ય જે જજ રહેલા છે તેમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે. ચુકાદાની જાહેરાતના સંદર્ભમાં નોટિસ આજે બપોરે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઈટ ઉપર મુકી દેવામાં આવી હતી.

                    ચોથી એપ્રિલના દિવસે પાંચ જજની બેંચે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અને તેના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર દ્વારા વર્ષ ૨૦૧૦માં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટ અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશ સામે આ અપીલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસના નેતૃત્વમાં બેંચે સુનાવણીને પરિપૂર્ણ કરતા કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ એવું ઇચ્છતા નથી કે, આરટીઆઈને લઇને નુકસાન પહોંચે પરંતુ પારદર્શીતાના નામ ઉપર ન્યાયતંત્રને નષ્ટ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની બેંચે એમ પણ કહ્યું છે કે, કોઇપણ વ્યક્તિ અંધારપટની સ્થિતિમાં રહેવા માટે ઇચ્છુક નથી. પારદર્શીતાના નામ ઉપર કોઇપણ સંસ્થાને ખતમ કરી શકાય નહીં. ૧૦મી જાન્યુઆરી ૨૦૧૦ના દિવસે તેના ઐતિહાસિક ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ઓફિસ પણ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાની હદમાં આવે છે અને કહ્યું હતું કે, ન્યાયિક સ્વતંત્રતા જજના વિશેષાધિકારમાં નથી પરંતુ જવાબદારી તેમના પર આવે છે. ૮૮ પાનાના ચુકાદાને એ વખતે તત્કાલિન સીજેઆઈ બાલાકૃષ્ણન માટે અંગત પીછેહઠ તરીકે ગણાવવામાં આવી હતી. કારણ કે, બાલાકૃષ્ણને આરટીઆઈ એક્ટ હેઠળ જજ સાથે સંબંધિત માહિતીઓને જાહેર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

                    ચીફ જસ્ટિસ એપી શાહ (હવે નિવૃત્ત) અને જસ્ટિસ વિક્રમજીત સેન, એસ મુરલીધરની બનેલી ત્રણ જજની બેંચ દ્વારા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. બેંચે સ્પષ્ટપણે કેટલાક તારણ આપ્યા હતા. જસ્ટિસ સેન સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિવૃત્ત થઇ ચુક્યા છે જ્યારે જસ્ટિસ મુરલીધર હાઈકોર્ટના વર્તમાન જજ તરીકે છે. આરટીઆઈ કાર્યકર એસસી અગ્રવાલ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા હેઠળ પારદર્શીતા કાયદા હેઠળ સીજેઆઈને લાવવાની રજૂઆત કરી હતી. તેમના વકીલ પ્રશાંત ભૂષણે ટોપ કોર્ટમાં કહ્યું હતું કે, અલબત્ત સુપ્રીમ કોર્ટ પાસે તેને પોતાની રીતે જજ કરવા સામે પ્રશ્નો ઉભા થઇ શકે નહીં. આવીતકાલે જાહેર કરવામાં આવનાર આ ચુકાદા ઉપર પણ તમામની નજર રહેશે. આ પ્રકારના કેસો ખુબ જ જટિલ પ્રકારના હોવાથી ચુકાદો હંમેશા પડકારરુપ રહે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા ઉપર પણ નિષ્ણાતોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

(7:39 pm IST)