મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

ઝારખંડમાં પણ NDAમાં ફુટ!: લોજપા એકલે હાથે લડશે ચુંટણી

લોજપા સાંસદ ચિરાગ પાસવાનની જાહેરાત

મુંબઇ,તા.૧૨: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપના ત્રીસ વર્ષ જૂના સંબંધોમાં ખટાશ આવી છે એના સમાચાર હજુ તાજા છે ત્યાં ઝારખંડમાં પણ એનડીએમાં ફૂટ પડી હોવાની માહિતી મળી હતી. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પોતાને જે બેઠકો પરથી ચૂંટણી લડવી હતી એ બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરતાં લોક જનશકિત પાર્ટી (લોજપા) એ એવી જાહેરાત કરી હતી કે અમે ભાજપ સાથે મળીને નહીં પરંતુ સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું.

લોજપાના પ્રમુખ અને સાંસદ ચિરાગ પાસવાને સોમવારે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ જાહેરાત કરી હતી. ચિરાગે કહ્યું કે અમે ભાજપ પાસે છ બેઠકો માગી હતી. છએ બેઠકો પર ભાજપે રવિવારે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. અમને ટોકન બેઠકો નથી જોઇતી. અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું.

ભાજપે રવિવારે પોતાના ૫૨ ઉમેદવારોની પહેલી યાદી પ્રગટ કરી હતી. ત્યારબાદ ચિરાગે એવી જાહેરાત કરી હતી કે અમે એનડીએના દ્યટક તરીકે ચૂંટણી લડવાના નથી. અમે રાજગ સાથે મળીને ચૂંટણી લડીશું. અમારા પક્ષના ઝારખંડ એકમે અમને એવી ૩૭ બેઠકોની સૂચના મોકલી હતી જયાં અમારો પક્ષ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી અને જીતી શકે છે.

ઝારખંડની છેલ્લી ચૂંટણીમાં ભાજપે લોજપાને શિકારપારા વિસ્તારની એક બેઠક ટોકન રૂપે આપી હતી. આ વખતે ટોકન બેઠક લેવાની લોજપાની તૈયારી નથી એમ ચિરાગે વધુમાં કહ્યું હતું.

(4:24 pm IST)