મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

હવે ચહેરો ઓળખીને જ ટ્રેનમાં પ્રવેશઃ રેલવે લાવી રહી છે નવી ટેકનિક

ફેસ રેકગ્નિશન ટેકનોલોજીના કારણે ગુનેગારો હવે તરત જ પકડાઇ જશે

નવી દિલ્હી તા. ૧ર :.. ભારતીય રેલ્વે મુસાફરોની સુરક્ષા માટે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી અને એઆઇ  (આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ) આધારીત ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. રેલ્વે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) આ ટેકનિકને ક્રિમીનલ ટ્રેકીંગ સિસ્ટમના ડેટા બેઝ સાથે જોડશે.  જેનાથી ગુનેગારોની ઓળખ કરવામાં સરળતા થશે. આ ઉપરાંત પેસેન્જરને પણ ચહેરો ઓળખીને પ્રવેશ આપવામાં આવે તેવી શકયતા છે.

ફેસ રેકગ્નિશન ટેકનોલોજી પોલીસના રેકોર્ડમાં રહેલા ગુનેગારોની તસ્વીરો સાથે શંકાસ્પદ લોકોના ચહેરા મેચ કરી શકશે. ત્યારબાદ આરપીએફ તેની વધુ વિગત મેળવી શકશે. રેલ્વેનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આ ટેકનિકથી રેલ્વે સ્ટેશનોને વધુ સુરક્ષિત બનશે. શરૂઆતમાં તેનો અમલ મોટા રેલવે સ્ટેશનો પર થશે. રેલ્વે પ્રોટેકશન ફોર્સ સૌ પ્રથમ બેંગલુરૂ રેલ્વે સ્ટેશનમાં આ ટેકનીકની શરૂઆત કરશે. ત્યારબાદ તેનો દિલ્હી, મુંબઇ, કોલકતા અને ચેન્નઇ રેલ્વે સ્ટેશન પર પ્રોજેકટ શરૂ થશે. ત્યારબાદ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પણ તેની શરૂઆત થશે.

(4:24 pm IST)