મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

સૌની નજર NCP - કોંગ્રેસ ઉપર

મહારાષ્ટ્રઃ રાતભર બેઠકોનાં દોરઃ રાજકીય ધમધમાટ

નવી દિલ્હી તા.૧૨: મહારાષ્ટ્રમાં મોડી રાત સુધી ચાલેલા રાજકીય ઘટનાક્રમ પછી પછી પણ તસ્વીર સ્પષ્ટ નથી થઇ. એનસીપીને રાજયપાલ તરફથી સરકાર બનાવવાનું નિમંત્રણ તો મળી ગયું છે પણ કોંગ્રેસ અને એનસીપીએ હજુ પોતાના પત્તા નથી ખોલ્યા હવે બધાની નજર કોંગ્રેસ અને એનસીપીના આગામી પગલાઓ પર છે.

મહારાષ્ટ્રના રાજકીય ઘટના ક્રમની આ દસ ખાસ વાતો છે.

૧. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, મહાસચિવ અને પ્રદેશ પ્રભારી મલ્લિકાર્જૂન ખડગે અને કેસી વેણુગોપાલ આજે મુંબઇમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરશે.

૨. આ નેતાઓની શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત થઇ શકે છે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ નેતાઓ બધા સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે.

૩. શિવસેનાના અરવિંદ સાવંતના કેન્દ્રીય પ્રધાન મંડળમાંથી રાજીનામા પછી મુંબઇની સાથે દિલ્હીમાં પણ રાજકીય ગતિવિધીઓ તેજ થઇ છે. ઉધ્ધવ ઠાકરેની સોનિયા ગાંધી સાથે ટેલિફોન પર વાતચીત પછી એમ લાગ્યું કે બસ ઔપચારિક જાહેરાત બાકી છે પણ કોંગ્રેસ વર્કીગ કમિટીની બેઠકમાં એક રાય ન બની શકી.

૪.સુત્રોએ જણાવ્યું કે વર્કીગ કમિટીની બેઠક દરમ્યાન સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી તેમાં શરદ પવારે કહ્યું કે હજુ તો ઉધ્ધવ ઠાકરેએ જ કોઇ જવાબ નથી આપેય જયાં સુધી તેમનો કોઇ જવાબ ન મળે ત્યાં સુધી આગળ કેમ વધવું. ત્યાર પછી સોનિયાએ ટેકો આપવાનો નિર્ણય મંગળવાર સુધી કેલી દીધો હતો.

૫. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સીડબલ્યુસીમાં ઘણા નેતાઓને શિવસેનાને ટેકો આપવા સામે વાંધો હતો જયારે કેટલાક સભ્યો રાજી હતા. બીજી બાજુ એનસીપીએ પોતાના પત્તા નહોતા ખોલ્યા એટલે પક્ષે શરદ પવાર સાથે વાતચીત પછી કંઇ નિર્ણય લેવાનો ફેંસલો કર્યો.

૬. કોંગ્રેસને એવો પણ ડર છે કે કર્ણાટકની જેમ ભાજપા તેના ધારાસભ્યો ખેંચી શકે છે. કોંગ્રેસ કાર્યસમિતીમાં પણ આ મુદ્દો ઉભો થયો હતો. શિવસેનાને બહારથી ટેકો આપવામાં તેના કેટલાક ધારાસભ્યો તુટવાનો ડર કેટલાક સભ્યોએ વ્યકત કર્યો હતો જયારે કેટલાક મોટા નેતાઓ શિવસેના સાથે સરકાર બનાવવા માટે અસહમત હતા.૭. રાજયપાલ પાસેથી સરકાર બનાવવાનું નિમંત્રણ મળ્યા પછી એનસીપી નેતાઓેએ કહ્યું કે કોંગ્રેસ તેના ગંઠબંધનમાં સહયોગી છે એટલે તેની સાથે ચર્ચા પછી જ અંતિમ નિર્ણય લેવાશે.

૮. એનસીપી પ્રવકતા નવાબ મલિકે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે વાતચીત કરશું અને એક સ્થાયી સરકાર બનાવવા પર વિચાર કરશું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામો આવ્યા પછી ૧૮ દિવસ પછી પણ સરકાર નથી રચાઇ.

૯. મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં ડખો થયા પછી શિવસેના સાંસદ અને કેન્દ્રમાં પ્રધાન અરવિંદ સાવંતે ગઇ કાલે એનડીએ સરકારમાંથી રાજીનામુ આપ્યું હતું. ૧૦. મહારાષ્ટ્રમાં મોડી રાત સુધી ચાલેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપા કોર કમિટીની બેઠક બે-બે વાર થઇ હતી. ત્યાર પછી પક્ષે કહ્યું કે આખી રાજકીય સ્થિતી પર તે નજરો રાખી રહ્યો છે અને આવનારા સમયમાં ચર્ચા કરીને કોઇ નિર્ણય લેવામાં આવશે.

(12:25 pm IST)