મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

રિકસ સમિટમાં ભાગ લેવા મોદી આજે રવાના થશે

વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ મોદી છઠ્ઠી વખત બ્રિકસ સમિટમાં ભાગ લેવા જઇ રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૨:નરેન્દ્રભાઇ મોદી બ્રિકસ દેશોના સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝીલ જવા રવાના થશે. તેઓ ૧૩ થી ૧૪ નવેમ્બર સુધી બ્રાઝિલમાં રહેશે. બ્રાઝિલમાં ૧૧મી સમિટ યોજાવા જઇ રહી છે. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ મોદી છઠ્ઠી વખત બ્રિકસ સમિટમાં ભાગ લેવા જઇ રહ્યા છે.

એવા અહેવાલો છે કે મોદી મંગળવારે બ્રાઝીલમાં યોજાનારી આ સમિટ માટે રવાના થઇ શકે છે. બ્રાઝીલના બ્રેસીલીયામાં આ સમિટ યોજાવા જઇ રહી છે જેમાં રશિયા અને ચીનના પ્રમુખ પણ આવશે. આ દરમિયાન મોદી જિનપિંગ, પૂતિનને મળી શકે છે. બ્રિકસ સંગઠનમાં બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

આ પાંચ દેશો વિશ્વની કુલ વસતીમાં ૪૨ ટકા વસતી ધરાવે છે અને જીડીપીનો ૨૩ ટકા હિસ્સો આ પાંચ દેશોનો છે. એવા અહેવાલો છે કે રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ જિનપિંગની સાથે મોદી મુલાકાત કરશે.

આ પહેલા પણ મોદી ઘણી વખત આ બન્ને દેશના વડાઓને મળી ચુકયા છે. જોકે હવે જે બેઠક યોજાવા જઇ રહી છે તેમાં કયા મહત્વના મુદ્દાઓ ચર્ચામાં રહેશે તેને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

બ્રિકસ સંગઠન દર વર્ષે બેઠક યોજે છે. જેમાં પર્યાવરણ, વ્યાપાર, આતંકવાદ સહીતના મુદ્દે એજન્ડા તૈયાર કરવામાં આવે છે અને તેના પર કામ કરવા માટેના દાવા કરવામાં આવે છે.વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પોતાના ભાષણમાં આતંકવાદનો ઉલ્લેખ કરી શકે છે. આ સમિટમાં રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલના વડાઓ પણ ભાગ લેવા માટે મંગળવારે જ પહોંચી શકે છે.

(12:11 pm IST)