મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

હવે બે જ દિવસમાં મોબાઇલ પોર્ટેબિલીટીઃ ૧૬ ડિસેમ્બરથી અમલ

નવી દિલ્હી, તા.૧૨: ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા-ટ્રાઇએ એમએનપી માટે નવી તારીખ જાહેર કરી છે. મોબાઇલ નંબર પોર્ટેબિલિટી માટે નવા નિયમો ૧૬ ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. MNP માટે પહેલાં એક અઠવાડિયાનો સમય લાગતો હતો તે હવે ૨ દિવસનો થઈ જશે.. અગાઉ આ સમય ૫ થી ૭ દિવસનો હતો. આપને જણાવીએ કે ટ્રાઇએ આ નિયમના અમલ માટે ૧૧ નવેમ્બરની તારીખ નક્કી કરી હતી.

ટ્રાઇએ કહ્યું હતું કે ટેલિકોમ ઓપરેટરો દ્વારા થઈ રહેલાં  પરીક્ષણમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે નવા નિયમોના અમલમાં મોડું થઈ રહ્યું છે. ટ્રાઇ ઇચ્છે છે કે નિયમોનો અમલ કરતા પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે જેથી વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે એમએનપી સેવા પ્રદાતાઓ અને ટેલિકોમ ઓપરેટર્સની સહાય આવશ્યક છે

નવા એમએનપી નિયમો લાગુ થયા પછી, વપરાશકર્તાઓ તેમનો નંબર બદલ્યા વિના એક ઓપરેટરથી બીજા ઓપરેટરમાં બે દિવસમાં જ પોર્ટ કરી શકશે.હાલમાં નંબર બંદલવામાં ૭ દિવસનો સમય લાગે છે. પરંતુ નવા નિયમો હેઠળ આ સમય ૨ દિવસનો રહેશે. જો એમએનપી સમય ૨ દિવસનો થશે તો તે ટેલિકોમ ક્ષેત્રની મોટી ઉપલબ્ધિ સાબિત થશે.

મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસ વપરાશકર્તાને મોબાઈલ નંબર બદલ્યા વિના એક ઓપરેટરથી બીજા ઓપરેટરમાં પોર્ટ કરવાની તક આપે છે. આ માટે, યુઝરને પોર્ટિંગ કોડ જનરેટ કરવો પડશે. આ યૂનિક કોડ નંબર બંદલવામાં મદદ કરે છે.

(12:09 pm IST)