મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

નવજાત શિશુના હાથમાં ૬-૬ આંગળી હતીઃ નર્સે એક-એક કાપી નાખતા બાળકનું મોત

ઉત્તર પ્રદેશની ઘટના

હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈમાં સરકારી હોસ્‍પિટલમાં નર્સે એક નવજાત શિશુની આંગળીઓ કાપી નાંખી, ત્‍યારબાદ તેનું મોત નિપજયું હતું. વાસ્‍તવમાં સરકારી હોસ્‍પિટલમાં જન્‍મેલ એક નવજાતના બન્ને હાથોમાં ૬-૬ આંગળી હતી. નર્સે નવજાતની એક-એક આંગળી કાપી દીધી. ત્‍યારબાદ તુરંત જ તેની સ્‍થિતિ બગડી હતી અને તેનું છેવટે મૃત્‍યું થયું હતું. બાળકના પિતાએ નર્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસને બિન-ઈરાદાપૂર્ણ હત્‍યાના કેસની તપાસ હાથ ધરી છે.

જાણકારી પ્રમાણે શનિવારે રાત્રે વાઢ કરેખા ગામના રહેવાસી લક્ષ્મી નામની મહિલાને પ્રસવ પીડા થતા બિલગ્રામથી સામુદાયીક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્ર (CHC)માં દાખલ કરવામાં આવી હતી. રવિવારે સવારે લક્ષ્મીએ પુત્રને જન્‍મ આપ્‍યો. નવજાતના બન્ને હાથમાં પાંચને બદલે છ-છ આંગળીઓ હતી. લક્ષ્મીના પતિ રવિન્‍દ્રએ આરોપ લગાવ્‍યો હતો કે નર્સે નવજાતની એક-એક આંગળી કાપી નાંખી હતી. ત્‍યારબાદ બાળકની તબિયત બગડી હતી, પરંતુ આરોગ્‍ય કેન્‍દ્રથી માતા અને નવજાતને ડિસ્‍ચાર્જ કરી દેવામાં આવી હતી. હોસ્‍પિટલથી બહાર આવતા જ બાળકનું મૃત્‍યું થયું હતું.

હરદોઈ એસપી આલોક પ્રિયદર્શીએ કહ્યું હતું કે બાળકના પિતા રવિન્‍દ્રના નિવેદનને આધારે સીએચસીની દાઈ વિદ્યાદેવી સામે બિનઈરાદાપૂર્ણ હત્‍યાનો કેસ નોંધાવ્‍યો હતો. સીએમઓ ડોક્‍ટર એસકે રાવતે જણાવ્‍યું હતું કે બાળકની આંગળીઓ કાપવાનો નિર્ણય પરિવારની મંજૂરી લઈને કરવામાં આવ્‍યો હતો કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

(11:36 am IST)