મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

કચ્‍છમાં આદિમાનવના દોઢ લાખ વર્ષ જુના અવશેષો-ઓજારો મળ્‍યા

સાંધવ ગામે વડોદરા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગનું સંશોધન, આદિમાનવની ભારતની સૌથી જૂની સાઈટઃ આફ્રિકાથી આદિમાનવ ભારતમાં આવ્‍યા હોવાની માન્‍યતાને સમર્થન, કચ્‍છના સાંધવ ગામે મળેલા ઓજારોને પગલે ભારતની સૌથી જૂની હોમો સેપીઅન્‍સ સાઈટઃ દેશભરના પુરાતત્‍વવિદો માટે કચ્‍છનું સાંધવ ગામ અભ્‍યાસનું કેન્‍દ્ર, દરિયા કિનારે આવેલું સાંધવ કચ્‍છમાં જૈનોની મોટી પંચતીર્થીનું ગામ

ભુજ, તા.૧૨: આદિમાનવ (હોમો સેપીઅન્‍સ) ભારતમાં ક્‍યારે આવ્‍યા તે વિશે પ્રવર્તી રહેલાં મત મતાંતરો વચ્‍ચે કચ્‍છમાં અબડાસા તાલુકાના સાંધવ ગામે મળી આવેલી સાઈટ ખૂબ જ મહત્‍વની હોવાનું પુરાતત્‍વવિદો જણાવી રહ્યા છે.

વડોદરાની એમએસ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના પ્રોફેસર અજિતપ્રસાદ અને વિદ્યાર્થીઓ અભિનંદન મુખર્જી તથા પ્રવિણકુમાર દ્વારા અબડાસા તાલુકાના સાંધવ ગામે હાથ ધરેલ સર્વે દરમ્‍યાન પાષાણયુગના જુના ઓજારોના અવશેષો મળી આવ્‍યા હતા.

આ અવશેષોનું ઓએસએલ ડેટિંગ પદ્ધતિ વડે અભ્‍યાસ કરાતાં આર્કિયોલોજી વિભાગના આ સંશોધકોને ધ્‍યાને આવ્‍યું હતું કે, સાંધવ ગામે મળેલા આ અવશેષો ૧.૪૧ વર્ષ જુના છે અને તેનો ઉપયોગ આદિમાનવો દ્વારા કરાતો હતો. આ તથ્‍યોએ આપણા આજના આધુનિક માનવીના પૂર્વજ એવા આદિમાનવ (હોમો સેપીઅન્‍સ) અંગે દેશમાં ચાલી રહેલી બે થિયરીઓ તેઓ આફ્રિકાથી (૧) ભારતમાં ૬૦ હજાર વર્ષ પૂર્વે આવ્‍યા હતા? (૨) તેઓ ભારતમાં ૧.૨૦ લાખ વર્ષ પૂર્વે આવ્‍યા હતા? આ થિયરીમાં મહત્‍વનું પ્રમાણ આપતાં સાંધવ (કચ્‍છ) ના અવશેષોએ એવું પ્રતિપાદિત કર્યું છે કે, આદિ માનવો આફ્રિકાથી ભારતમાં ૧.૨૦ લાખ વર્ષ પૂર્વે આવ્‍યા હતા. આમ, કચ્‍છનું સાંધવ ગામ આદિમાનવના સંશોધન ક્ષેત્રે એક મહત્‍વનું સીમાચિહ્ન રૂપ કેન્‍દ્ર બન્‍યું છે. અહીં દેશવિદેશના આર્કિયોલોજી વિભાગના સંશોધકો અભ્‍યાસ માટે આવી શકે છે. વર્ષ ૨૦૧૭ દરમ્‍યાન વડોદરાની એમએસ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગે વિદેશની અન્‍ય યુનિવર્સિટીની સાથે મળીને સંશોધન હાથ ધર્યું હતું.  કચ્‍છના અબડાસાના દરિયા કિનારે જખૌ પાસે આવેલું સાંધવ ગામ જૈન સમાજના પંચ તીર્થ પૈકીનું એક છે, અહીં ઐતિહાસિક દેરાસર આવેલું છે.

(10:55 am IST)