મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

લતા મંગેશકરની તબિયતમાં ધીમે-ધીમે સુધારોઃ તેઓ બહુ સારા ફાઇટર છે અને આ સમસ્યા સામે પણ જીતશેઃ પરિવારજનો

નવી દિલ્હી : ભારતના ટોચના સિંગર લતા મંગેશકરને સોમવારે સવારે તાત્કાલિક મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 90 વર્ષની ગાયિકાને વાઇરલ ચેસ્ટ કન્જેક્શનની સમસ્યા સતાવતી હતી. ગાયિકાના નજીકના સ્વજને આપેલી માહિતી પ્રમાણે હવે તેમની તબિયત સ્થિર છે અને ક્રમશ: સુધરી રહી છે. તેઓ બહુ સારા ફાઇટર છે અને આ સમસ્યા સામે પણ જીત મેળવશે.

             10 નવેમ્બરે જ લતા મંગેશકરે પદ્મિની કોલ્હાપુરેનું ફિલ્મ પાણીપતમાંથી પોસ્ટર શેર કરીને તેને અને આખી ટીમને શુભેચ્છાઓ આપી હતી. ગત 28 સપ્ટેમ્બરે તેઓ 90 વર્ષના થયા હતા ત્યારે બોલિવૂડની જાણીતી હસ્તીઓએ તેમને શુભકામનાઓ આપી હતી.

              લતા ભારતના દિગ્ગજ ગાયકોમાંથી એક છે અને તેમણે 1000 ફિલ્મોથી વધુમાં ગીત ગાયા છે. સાથે જ તેમણે 36 રિજનલ અને વિદેશી ભાષામાં પણ ગીત ગાયા છે. તેમને દાદાસાહેબ ફાળકે, ભારત રત્ન, ત્રણ નેશનલ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મળેલા છે. તેમને સૂર સામ્રાજ્ઞી પણ કહેવામાં આવે છે. તેમના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરી શુભેચ્છા આપી હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાના રેડિયો શો મન કી બાતમાં કર્યો હતો.

(5:00 pm IST)