મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

ગઠબંધન સરકાર માટે કોંગ્રેસે મૂકી એવી શરતો, જાણીને શિવસેનાને લાગશે મોટો આંચકો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણમાં જબરદસ્‍ત વળાંક જોવા મળી રહ્યો છેઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્‍હીમાં થઈઃ મહત્‍વના નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળ્‍યું છે

નવી દિલ્‍હી,તા.૧૨: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દ્યમાસાણમાં જબરદસ્‍ત વળાંક જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્‍હીમાં થઈ. જેમાં મહત્‍વના નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળ્‍યું છે. સૂત્રોના હવાલે ખબર પડી છે કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે એનસીપી અને શિવસેના સામે ૩ શરતો મૂકી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે કે કોંગ્રેસ ઈચ્‍છે છે કે ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્‍યમંત્રી ન હોય. આ સાથે જ કોંગ્રેસે પહેલી શરત એ મૂકી છે કે એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવે. બીજી શરત એ છે કે ત્રણેય પાર્ટીઓ વચ્‍ચે એક સમન્‍વય સમિતિ બને. આ ઉપરાંત કોંગ્રેસે ત્રીજી જે શરત મૂકી છે તે મુજબ ગઠબંધન સરકારમાં ૪ વિધાયકો પર ૧ મંત્રી બનાવવામાં આવે તથા સ્‍પીકર પદ કોંગ્રેસ પાર્ટીને મળે.

મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય દ્યમાસાણમાં નવો વળાંક આવ્‍યો છે જે હવે આ સત્તાની ખેંચતાણ પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે. એનસીપીને સરકાર બનાવવા માટે રાજયપાલે આમંત્રણ આપ્‍યા બાદ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈ જવાનું છે અને એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ અંગે ટ્‍વીટ કરીને જાણકારી આપી. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે.

કોંગ્રેસના નેતા  કે સી વેણુગોપાલે ટ્‍વીટ કરીને કહ્યું કે ‘આજે સવારે કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીજીએ શરદ પવાર સાથે વાત કરી છે. હું, અહેમદ પટેલ અને મલ્લિકાર્જૂન  ખડગે શરદ પવાર સાથે આગળ વાતચીત માટે મુંબઈ જઈશું.'

અત્રે જણાવવાનું કે NCPને રાતે આઠ વાગ્‍યા સુધીમાં રાજયપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરવાનો છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્‍પષ્ટ કર્યું નથી. ક્‍યારેક કોંગ્રેસ એમ કહેતી જોવા મળી કે રાજય નેતૃત્‍વ તેના પર નિર્ણય લેશે તો ક્‍યારેક કોંગ્રેસ નેતાઓ પાર્ટી હાઈકમાન્‍ડ પર ટાળતા જોવા મળ્‍યાં. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ૪૪ ધારાસભ્‍યો છે અને તેમાંથી ૪૦ ધારાસભ્‍યો જયપુરમાં રોકાયા છે.

(4:19 pm IST)