મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

જયપુરના સાંભર જળાશયએ હજારો પક્ષીઓ મોતના મુખમાં ધકેલાયા :છેલ્લા 10 દિવસમાં 1500થી વધુ વિદેશી પક્ષીઓના રહસ્યમય મોત

મીઠાના ભંડાર માટે વિશ્વ વિખ્યાત સાંભર જળાશય સ્મશાનમાં ફેરવાયું : મોટાભાગના પક્ષીઓ રતન તળાવ પાસે મૃત્યુ પામ્યા : વિશેષજ્ઞોની ટિમ પહોંચી

જયપુર : રાજસ્થાનનું  મીઠાના ભંડાર માટે વિશ્વ વિખ્યાત સાંભર જળાશય ભારતનું સૌથી મોટું ખારા પાણીનું જળાશય છે અને દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતરનો સફર કરીને આવે છે.હાલમાં સાંભર જળાશય સ્મશાનમાં ફેરવાઇ ચૂક્યું છે. વિતેલા 10 દિવસમાં અહી લગભગ 1500થી વધારે વિદેશી પક્ષીઓના રહસ્યમય  મોત થયા છે. મોટાભાગના પક્ષીઓ રતન તળાવ પાસે મૃત્યુ પામ્યા છે.

  સાંભરમાં અત્યાર સુધી આશરે 25 પ્રજાતિના પક્ષીઓના મોત થઇ ચૂક્યા છે. જેમાં મોટાભાગના વિદેશી પક્ષીઓ સામેલ છે. માર્યા ગયેલા પક્ષીઓમાં કેટલીક સ્થાનિક પ્રજાતિ પણ સામેલ છે. રુડી શેલ્ડક, રુડી ટર્નસ્ટોન, નોર્થન શોલેવર, બ્લેકવિંગ્ડ સ્ટિલ્ટ અને કોમન કૂટ નામક વિદેશી પ્રજાતિના પક્ષીઓ સામેલ છે. આ દરમિયાન અસંખ્ય ફ્લેમિંગો પક્ષીઓની સારવાર પણ ચાલી રહી છે.

  રહસ્યની બાબત એ છે કે આ તમામ પક્ષીઓના મોત અલગ-અલગ સમયે થયા છે. જેનો મતલબ છે કે તેમને ઝેર આપવામાં આવી રહ્યું છે અથવા કોઇ બીમારી તેમનો ભોગ લઇ રહ્યો છે. તપાસ માટે મૃત પક્ષીઓને ભોપાલ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીસ મોકલવામાં આવ્યા છે. વિશેષજ્ઞોની એક ટીમ સાંભર પહોંચી ચૂકી છે.

  માહિતી મુજબ રાજ્ય વન વિભાગ આ વિનાશ પાછળનું કારણ શોધી શક્યુ નથી. અહી મુલાકાતે આવેલા પર્યટકોએ પ્રશાસને આ અંગેની માહિતી આપી હતી. મૃત્યુ પામેલા પક્ષીઓને જળાશય પાસે જ એક ખાડો ખોદીને દાટવામાં આવી રહ્યા છે.

  જયપુરમાં સ્થિત સાંભર જળાશય દેશનું સૌથી મોટુ ખારા પાણીનું જળાશય છે. જે 190થી 230 વર્ગ કિલોમીટર સુધી ફેલાયેલું છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને આવે છે. પરંતુ અહી ચાલી રહેલી પ્રવૃત્તિઓ, વધતી વસ્તી અને બદલાઇ રહેલા વાતાવરણે તેમની સંખ્યામાં ભારે ઘટાડો કર્યો છે.

(11:46 pm IST)