મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

મોદી કેબિનેટમાંથી અરવિંદ સાવંતે રાજીનામુ આપી દીધું

ભાજપ સાથે છેડો ફાડવાને લઇ ભારે દુવિધા : શિવસેનાના ભાજપ સાથે મહારાષ્ટ્રને લઇ સંબંધો વણસ્યા

મુંબઇ,તા. ૧૧ : મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને જોરદાર મડાગાંઠની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટમાંથી શિવસેનાના ક્વોટાના પ્રધાન અરવિંદ સાવંતે હોદ્દા પરથી રાજીનામુ આપીને ભાજપ સાથે છેડો ફાડી લેવાનો સંકેત આપી દીધો હતો. ભાજપ સાથે ખુબ ખરાબ રાજકીય સંબંધો થયા હોવા છતાં શિવસેનાએ હજુ પણ ભાજપ સાથે સંપૂર્ણપણે છેડો ફાડી લેવાની કોઇપણ વાત કરી નથી.
             કેબિનેટ મંત્રી અરવિંદ સાવંતે રાજીનામુ આપીને આના સંકેત આપ્યા હતા. સાવંતે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધા બાદ શિવ સેનાએ કહ્યુ હતું કે ભાજપની સાથે તેના સંબંધ હવે માત્ર ઔપચારિકતા સમાન છે. શિવ સેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ છે કે ભાજપે વધારે ધ્યાન આપ્યુ નથી. ૫૦-૫૦ ફોર્મ્યુલા  પહેલાથી જ નક્કી કરી દેવામાં આવી હતી.જો કે હવે ભારતીય જનતા પાર્ટીએ પીછેહટ કરી છે. તેમણે કહ્યુ છે કે સંબંધ હવે ઔપચારિકતા સમાન છે. ૧૨મી નવેમ્બરના દિવસે એનસીપીના નેતાઓની બેઠક પણ યોજાનાર છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને મહાસંકટ અકબંધ છે.

(12:00 am IST)