મુખ્ય સમાચાર
News of Tuesday, 12th October 2021

મંદિરમાં વીડિયો બનાવ્યા બાદ મહિલાએ માફી માંગી

મહિલાએ માફી માંગી, વીડિયો ડિલીટ કર્યા : ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બોલીવુડ સોન્ગ પર ડાંસ કરી વીડિયો બનાવનારી મહિલા સામે પોલીસ ફરિયાદ

ભોપાલ, તા.૧૨ : ઉજ્જૈનના ઐતિહાસિક મહાકાલ મંદિરના પરિસરમાં બોલીવુડ સોન્ગ પર ડાંસ કરી વીડિયો બનાવનારી મહિલા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઉજ્જૈન પોલીસે સોમવારે વીડિયો બનાવનારી મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જોકે, એફઆઈઆરમાં વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર શેર કરનારી મહિલાના નામનો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ તેની પર આરોપ છે કે, તેણે સમાજને નુકસાન પહોંચાડતું કૃત્ય કર્યું અને કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.

મહિલાએ બોલીવુડ સોન્ગ પર આ વીડિયો ઉજ્જૈનના ઓમકાળેશ્વલ મહાદેવ મંદિર પરિસરમાં, જે મહાકાલ મંદિરના ફર્સ્ટ ફ્લોર પર સ્થિત છે ત્યાં બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા સાડીમાં જોવા મળી રહી છે જે મંદિરના સ્તંભની આસપાસ બોલીવુડ સોંગ પર ડાંસ કરી રહી છે. ઉજ્જૈન પોલીસ સ્ટેશનના ઇનચાર્જ મુનેદ્ર ગૌતમના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે વીડિયો શેર કરવામાં આવ્યા હતા. જેમાં એક સાત અને બીજો ૧૪ સેંકન્ડનો હતો.

પોલીસ આ કેસમાં તપાસ કરતાં વેબસાઇટને વીડિયો અપલોડ કરનારી મહિલાની માહિતી આપવા જણાવ્યું છે. જે પછી પોલીસ એ મહિલા વિરુદ્ધ આઈપીસી સેક્શન ૧૮૮ અને ૨૯૨ હેઠળ કાર્યવાહી કરશે. ઉજ્જૈન પોલીસ વિભાગના કહેવા મુજબ, શહેરના એક નાગરિકે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરનારી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જોકે, સોશિયલ મીડિયા પર આ પ્રકારનો વીડિયો શેર કરી મહિલા ભારે વિવાદમાં ફસાઇ ગઇ હતી. વિવાદ સર્જાતા એણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા માફી માંગી હતી અને મહાકાલ મંદિરના વીડિયોને ડિલીટ કર્યા હતા.

(7:33 pm IST)