મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

જાતિય શોષણ : મી ટુ મામલાની તપાસ માટે આખરે કમિટિ બની

દરેક ફરિયાદની પાછળની પીડા પર વિશ્વાસ કરે છે : મેનકા ગાંધી :વિવિધ ક્ષેત્રોની અનેક ટોપની હસ્તીઓ સામે જાતિય શોષણ અને અત્યાચારના આક્ષેપ બાદ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કમિટિ બનાવાઈ

નવીદિલ્હી, તા. ૧૨ : જાતિય સતામણીને લઇને ગંભીર પ્રકારના આક્ષેપો સપાટી ઉપર આવી રહ્યા છે. બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાતિય સતામણી અને શોષણના આરોપ કરીને ખળભળાટ મચાવી દીધા બાદ આને લઇને દેશભરમાં છેડાઈ ગયેલી ચર્ચા વચ્ચે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ પણ શોષણને લઇને આગળ આવી છે અને મી ટુ અભિયાન હેઠળ પોતાની સાથે થયેલા અનુભવની વાત કરી ચુકી છે. આના કારણે હચમચી ઉઠેલી કેન્દ્ર સરકારે હવે મી ટુ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટિ બનાવી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી મેનકા ગાંધીએ આજે આ મુજબની વાત કરી હતી. મેનકા ગાંધીએ કહ્યું હતું કે, નિવૃત્ત જજના નેતૃત્વમાં એક કમિટિની રચના કરવામાં આવશે જે મી ટુ હેઠળ આવનાર મામલાઓમાં તપાસ કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, તેઓ એવી દરેક ફરિયાદની પાછળની પીડા ઉપર વિશ્વાસ કરે છે અને એવા તમામ મામલાઓ ઉપર વિશ્વાસ કરે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, મી ટુ અભિયાન હેઠળ આવનાર તમામ મામલાની તપાસ માટે એક કમિટિનો પ્રસ્તાવ આપ્યો છે જેમાં સિનિયર ન્યાયિક અધિકારી અને કાયદાના નિષ્ણાત લોકો સામેલ કરાશે. જાતિય સતામણી અને શોષણની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે તમામ તરીકા અને તેની સાથે જોડાયેલા કાયદાકીય પાસા, કાયદાકીય જોગવાઈઓ અને સંસ્થાગત ફ્રેમવર્ક તૈયાર કરવામાં આ કમિટિ મદદ કરશે. હાલમાં અનેક મહિલાઓ મી ટુ અભિયાન હેઠળ સોશિયલ મિડિયા ઉપર પોતાની સાથે થયેલા ખરાબ વર્તન અંગે લખી રહી છે. આ પહેલા મેનકા ગાંધીએ કહ્યું હતું કે, કોઇની પણ સામે મુકવામાં આવેલા જાતિય શોષણના આરોપોને ગંભીરતા સાથે લેવા જોઇએ. મેનકા ગાંધીએ આ બાબત તેઓએ એ વખતે કરી છે ત્યારે કેન્દ્રીયમંત્રી એમજે અકબર ઉપર મુકવામાં આવેલા આક્ષેપો અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ગાંધીએ કહ્યું હતું કે, તાકાતવર હોવા છતાં પુરુષ સામાન્યરીતે આ પ્રકારનું વર્તન કરે છે. મિડિયાની સાથે રાજનીતિ અને પ્રાઇવેટ કંપનીઓ ઉપર પણ આ બાબત લાગૂ થાય છે. જ્યારે મહિલાઓ આ વિષય ઉપર પોતાના અવાજને રજૂ કરવા લાગી છે ત્યારે આરોપોને ગંભીરતાપૂર્વક લેવા જોઇએ.બીજી બાજુ ભાજપમાં મી ટુ અભિયાન હેઠળ સમર્થન વધી રહ્યું છે. મેનકા ગાંધી બાદ પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેનાર ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અભિયાન પ્રત્યે સમર્થન આપ્યું છે. સ્વામીએ જ્યારે એમજે અકબરને લઇને પ્રશ્નો કર્યા ત્યારે કહ્યું હતું કે, તેમના ઉપર આરોપ મુકનાર કોઇ એક મહિલા નહીં બલ્કે અનેક મહિલાઓ આક્ષેપ કરી ચુકી છે. તેઓ પહેલા પણ કહી ચુક્યા છે કે, મી ટુ અભિયાનને તેઓ સમર્થન આપે છે. મહિલાઓ લાંબા સમય બાદ જો સપાટી ઉપર આવી રહી છે તો તેમાં કોઇ ખામી છે તેમ તેઓ માનતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સંદર્ભમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. મી ટુને લઇને હાલમાં જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે જાતિય સતામણીના આક્ષેપ કર્યા બાદ આની શરૂઆત થઇ હતી. ત્યારબાદ બોલીવુડમાં ઘણા લોકોએ તનુશ્રીને ટેકો આપ્યો હતો જ્યારે ઘણા લોકોએ તનુશ્રીનો વિરોધ કર્યો હતો. બોલીવુડની સાહસી અભિનેત્રી કંગના રાણાવતે પણ તેની સાથે ખરાબ વર્તન થયું હોવાની વાત કરી છે. કંગના કહી ચુકી છે કે, વિકાસ બહલ તેની સાથે વારંવાર ખરાબ વર્તન કરતા રહ્યા છે અને અશ્લિલ ભાષાનો ઉપયોગ પણ કરી ચુક્યા છે.

(7:59 pm IST)