મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

મી ટુ ઇફેક્ટ : હાઉસફુલ-૪નું શૂટિંગ અક્ષયે રદ કરી દીધું છે

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શૂટિંગ નહીં કરે :સતામણીના આક્ષેપ બાદ સાજીદ પણ નિર્દેશન નહીં કરે

નવીદિલ્હી, તા. ૧૨ : બોલીવુડમાં મી ટુને લઇને જોરદાર હોબાળો મચેલો છે. તમામ મોટા નિર્માતા નિર્દેશકો ઉપર મહિલા કલાકારો અને પત્રકારો દ્વારા જાતિય સતામણીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હવે આ મામલામાં એક મોટા અહેવાલ આવી રહ્યા છે. મળેલી માહિતી મુજબ અક્ષય કુમારે હાઉસફુલ-૪ના શૂટિંગને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશક શાજીદ ખાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાજીદ ઉપર પણ જાતિય સતામણીના આરોપો મુકવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ આક્ષેપ થયા બાદ નૈતિક જવાબદારી લઇને સાજીદ ખાને હાઉસફુલ-૪ના નિર્દેશન તરીકે પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો છે. સાજીદે ટ્વિટ કરીને કહ્યું છે કે, મિડિયાના મિત્રોને તેઓ અપીલ કરવા માંગે છે કે, વાસ્તવિકતા સપાટી ઉપર ન આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારના નિર્ણય ઉપર પહોંચવાને લઇને સાવધાની રાખે. સાજીદે લખ્યું છે કે, પરિવાર અને ફિલ્મના નિર્માતા પર પડી રહેલા દબાણના કારણે તેઓએ આ નિર્ણય કર્યો છે. અક્ષયકુમારથી પહેલા આમીર ખાને પણ ગુલશન કુમારની બાયોપીક મુગલમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ફિલ્મના નિર્દેશક સુભાષ કપૂર ઉપર જાતિય સતામણીના આક્ષેપ થઇ ચુક્યા છે. જો કે, આક્ષેપ થયા બાદ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે સુભાષ પાસેથી આ ફિલ્મ આંચકી લીધી હતી. અક્ષયકુમારે પોતે ટ્વિટ કરીને હાઉસફુલ-૪ના શૂટિંગને રદ કરવાની જાહેરાત કરી છે. અક્ષયે કહ્યું છે કે, તે હેરાન કરનાર સમાચાર વાંચી રહ્યો છે. હાઉસફુલ--૪ના નિર્માતાઓને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શૂટિંગ રદ કરવા કહ્યું હતું. આરોપોની સામે કઠોર કાર્યવાહીની જરૂર છે. અક્ષયે એમ પણ કહ્યું છે કે, તેઓ એવી કોઇ વ્યક્તિ સાથે કામ કરશે નહીં જે દોષિત જાહેર થશે. અક્ષયે એમ પણ કહ્યું છે કે, જે લોકો સાથે પણ સતામણી થઇ છે તે તમામની ફરિયાદો સાંભળવી જોઇએ અને તેમની સાથે ન્યાય થવો જોઇએ. હમશક્લમાં તેમના સહાયક નિર્દેશક રહી ચકેલી સલોની ચોપડાએ કહ્યું છે કે, સાજીદે મહિનાઓ સુધી તેમનું શોષણ કર્યું હતું. રચેલ વ્હાઇટે પણ આક્ષેપ કર્યો છે કે, જાતિય અત્યાચાર ગુજાર્યું હતું.

 

(7:59 pm IST)