મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

સોનિયા ગાંધી અને KGBના સંબંધો જાહેર કરે પુતિનઃ સુબ્રહ્મણ્યમ સ્વામી

નવી દિલ્હી તા.૧૨: અવનવાં નિવેદનો દ્વારા વિવાદાસ્પદ રહેતા બીજેપીના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના સંદર્ભમાં ટિપ્પણી કરીને નવો વિવાદ જગાવ્યો છે. સ્વામીએ સુભાષચંદ્ર બોઝ અને લાલ બહાદુર શાસ્ત્રીની ફાઇલો જાહેર કરીને ભારત સાથેની મિત્રતાનો પુરાવો આપવા પુતિનને પડકાર્યા છે.

સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી પર રશિયાની જાસૂસી સંસ્થા કેજીબી સાથે કનેકશનનો આરોપ મુકીને એ બાબતના દસ્તાવેજો પણ પુતિન પાસે માગ્યા હતા. સ્વામીએ પુતિનના બહાને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધી તાજેતરમાં જ વ્લાદિમિર પુતિનને મળવા બે વખત રશિયા ગયાં એ બાબતે સુબ્રહ્મણ્યમ સ્વામીએ પ્રશ્ન કર્યો હતો.ગયા અઠવાડિયે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. એ મુલાકાત દરમ્યાન રશિયા અને ભારત વચ્ચે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના સોદાના દસ્તાવેજો પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.(૧.૪)

(11:34 am IST)