મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

'તિતલી' વાવાઝોડાના કારણે આજે

ઓડીશામાં ભારે વરસાદની આગાહી : પુરની સંભાવના

નવી દિલ્હી, તા. ૧ર : ઓડીશામાં ગઇકાલે તિતલી વાવાઝોડાના કારણે ગોપાલપુરમાં ભૂસ્ખલન થયું હતું અને ચક્રાવાતના પ્રભાવથી આઠ જીલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજયના દરિયાઇ પટ્ટીમાં પૂરનો ખતરો ઉભો થયો છે તેમ એક અધિકારીએ જણાવેલ. હવામાન ખાતાના વિજ્ઞાન વિભાગે ર૪ કલાકમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને અંતરીયાળ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પધીના જણાવ્યા મુજબ આખા રાજયમાં કેટલાક પશ્ચિમી ભાગોને છોડીને આખો દિવસ વરસાદની આશંકા છે. વરસાદ બાદ ઓડીશાના તટીય વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઇ શકે છે. હાલ પૂરની સ્થિતિ નથી. તેમણે વધુમાં જણાવેલ કે તિતલીના કારણે ગજપતિ અને રાયગઢ જીલ્લામાં ભારે વરસાદ ચાલુ છે જેના કારણે વંશધારા નદીમાં પૂર આવી શકે છે. સૌથી વધુ પ્રભાવિત ગજપતિ જીલ્લામાં ર૦૦ મી.મી. વરસાદ પડયો છે. જયારે મોહાના બ્લોકમાં સૌથી વધુ ૩૦પ મીમી વરસાદ નોંધાયો છે.

મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરૂવારે સ્થિતિની સમીક્ષા કરી હતી. તોફાનના કારણે ઓડીશા અને આંધ્રપ્રદેશના તટની વચ્ચે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ગંજમ અને ગજપતિ જીલ્લામાં રસ્તાઓ અને ટેલીફોન સંપર્ક તૂટી ગયેલ. જયારે લાઇટો પણ ગુલ  થઇ ગયેલ. પધીએ જણાવેલ કે ગજપતિ જીલ્લામાં વધુ નુકશાન થયું છે. અહીં વૃક્ષો ઉખડી ગયા છે. વાહન વ્યવહાર પ્રભાવિત થયો. અનુમાન મુજબ અહીં ઓછું નુકશાન થયું છે. પુર્નવસન માટે એનડીઆરએફની વધુ બે ટીમો કામ કરી રહી છે. કુલ ૩ લાખ લોકોને સુરક્ષીત જગ્યાએ લઇ જવાયા છે. (૮.૯)

 

(11:29 am IST)