મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

સરકાર ન તો પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો રોકી શકી છે કે ન તો મોંઘવારી : ૧પ લાખની વાતનું શું થયું ?

શિવસેનાના મુખપત્ર 'સામના'માં સરકારની ઝાટકણીઃ લોકોના ગજવા ખાલી થઇ રહ્યા છે : ૧પ લાખ જમા કરાવી દયો

મુંબઇ, તા. ૧ર : શિવસેના એ રૂપિયાના પતન અને શેરબજારની હાલની સ્થિતિ પર ટીકા કરી છે. પક્ષના મુખપત્ર સામનામાં ભાજપા પર નિશાન તાકતા કહેવાયું છે કે ૧પ લાખ આપવાનું વચન આપ્યું હતું, પણ હવે તો પ્રજાના ખિસ્સા ખાલી થઇ ગયા છે.

સામનામાં લખાયું છે ''વિદેશથી કાળુ નાણુ પાછું લાવશું, દરેક વ્યકિતના બેંક ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા કરાવશું, એવા આશ્વાસનો હાલના સત્તાધારીઓએ આપ્યા હતા. આ ૧પ લાખ રૂપિયા તો આ જ સુધી જમા નથી થયા, પણ રોકાણકારો અને સામાન્ય માણસના ખિસ્સા અને બેંક ખાતા ખાલી થઇ રહ્યા છે.''

એવું પણ લખાયું છે, ''શેરબજારમાં રોકાણ હોય કે ખિસ્સામાં રહેલા પૈસા, મોંઘવારીના પૂરમાં બધું તણાઇ રહ્યું છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જોરદાર વરસાદ આવ્યો અને પૈસા તણાઇ ગયા, પણ ન તો ૧પ લાખ ઝડપથી આવ્યા ન વરસાદ ઝડપથી આવ્યો, ઉલ્ટાના ખિસ્સાના પૈસા તણાઇ ગયા, દેશની સામાન્ય પ્રજાની દશા ભયંકર થઇ ગઇ છે.''

સામનાના તંત્રી લેખમાં લખાયું છે, ''શેરબજારથી માંડીને છુટક બજાર સુધી બધે મંદી ચાલી રહી છે. ગુરૂવારે કામકાજ શરૂ થતાં જ શેરબજારમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થયો. પ મીનીટમાં રોકાણકારોના લગભગ ૪ લાખ કરોડ તણાઇ ગયા, છતાં ૧પ-ર૦ દિવસ શેરબજારમાં આવેલ સુનામીના કારણે રોકાણકારોને મરવાનો વારો આવ્યો છે. સાથે જ ડોલર સામે રૂપિયાનું પતન પણ ચાલુ છે. ગુરૂવારે ડોલરની સામે રૂપિયો ૭૪ પર પહોંચી ગયો. ''

(11:29 am IST)