મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

હવે સિંહો રહેશે સલામતઃ રૂ. ૨૫૦ કરોડની યોજના

૨૩ સિંહોના મોત બાદ જાગી સરકારઃ વન વિભાગની દરખાસ્તો તાબડતોબ મંજુરઃ આવતા ત્રણ વર્ષમાં નવી જગ્યાઓ, વધારાનો સ્ટાફ, બચાવ સેન્ટરો અને ટ્રીટમેન્ટની સગવડો સિંહો માટે ઉભી થશે

મુંબઈ, તા. ૧૨ :. ગીરમાં ૨૩ સિંહોના મરણ પછી ગુજરાત સરકારે એશિયાઈ સિંહોની જાળવણી માટે ૨૫૦ કરોડ રૂપિયા મંજુર કર્યા છે. સિંહો માટે નવા વિસ્તારો ઉભા કરવા, ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા અને નવા સ્ટાફની ભરતી માટે આ ફંડ ફાળવ્યું છે.

ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) દ્વારા તૈયાર કરાયેલા એક રીપોર્ટ અનુસાર ૨૭માંથી ૨૧ સિંહોમાં કેનાઈન ડીસ્ટેમ્પર વાઈરસની હાજરી જોવા મળી હતી. રીપોર્ટ આઈસીએમઆરની વેબસાઈટ પર ઉપલબ્ધ છે પણ તે વન મંત્રાલય કે ગુજરાત વન વિભાગને નથી મોકલાયો.

આ પ્રકારના બનાવો રોકવા અને સિંહોના બચાવ, સારવાર અને રક્ષણ માટે સરકારે સંરક્ષણ પ્લાન મંજુર કર્યો છે.

વન પ્રધાન ગણપત વસાવાએ કહ્યું, 'મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સિંહોના સંરક્ષણ માટેની જુદી જુદી કામગીરી માટે ૨૫૦ કરોડ રૂપિયાનું સ્પેશ્યલ ફંડ મંજુર કર્યુ છે. જેના દ્વારા સિંહો માટે નવી જગ્યાઓ, વધારાનો સ્ટાફ, બચાવ સેન્ટરો અને સિંહોની સારવાર માટે નવા ઈન્ફ્રાસ્ટ્રકચરો વગેરે કામગીરી ત્રણ વર્ષમાં કરવામાં આવશે.'

વન વિભાગની ભલામણ પ્રમાણે એક નવુ ડિવીઝન શેત્રુંજી નામથી મંજુર કરવામાં આવ્યું છે. ઉપરાંત વન વિભાગની ભલામણ મુજબ હથિયારો અને સંદેશા વ્યવહારના ઉપકરણોની ખરીદીની ભલામણ પણ મંજુર કરાઈ છે.(૨-૨)

(10:11 am IST)