મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

પાક હવે પાણીના રસ્તાથી ઘુસણખોરીના ફિરાકમાં

લોંચ પેડ પર રબરની બોટ કબજે

નવી દિલ્હી, તા.૧૨ : ગુપ્તચર એજન્સીઓએ ભારતીય સુરક્ષા દળોને આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ પાસે પાણીના રસ્તે પેટ્રોલિંગ વધારવાનું કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિભિન્ન લોન્ચ પેડ્સ પર રબરની નાની બોટ જોઈ છે. ગુપ્તચર એજન્સીનો દાવો છે કે પાકિસ્તાની આતંકીઓ પાણીના રસ્તે રબરની આ નાનકડી બોટ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે.  જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ૧૩ નાના પાણીના રસ્તાઓને રેખાંકિત કરાયા છે. જેમાં અખનૂર, સાંબા અને કઠુઆ સામેલ છે.

           આ ઉપરાંત કાશ્મીરના ગુરેજ સેક્ટરને પણ હાઈ અલર્ટ પર રાખવામાં આવેલ છે. એવા સમાચાર છે કે આતંકીઓ ઘૂસણખોરી માટે કૃષ્ણા ઘાટીના રસ્તાનો પણ ઉપયોગ કરી શકે છે. ૨૦૧૧માં પણ આતંકવાદીઓએ એ જ રીતે ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી જેને નિષ્ફળ બનાવવામાં આવી હતી. અત્રે જણાવવાનું કે અગાઉ પણ ગુપ્તચર એજન્સીઓ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવેલ હતું કે સમુદ્રી માર્ગનો ઉપયોગ આતંકીઓ કરી શકે છે પરંતુ હવે એજન્સીઓએ એ પણ ચેતવણી આપી છે કે આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પાસે નાના જળમાર્ગોનો પણ ઉપયોગ કરી શકે છે.

(7:48 pm IST)