મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

પાકિસ્તાનની ફરી નફફટાઇ

કુલભુષણ જાધવને બીજી વખત કોન્સ્યુલર એકસેસ આપવા ઇન્કાર

નવી દિલ્હી, તા.૧૨: પાકિસ્તાને કુલભૂષણ જાધવને બીજી વાર કોન્સ્યુલર એકસેસ આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડો. મોહમ્મદ ફૈસલએ કહ્યું કે, કુલભૂષણ જાધવને બીજી વાર રાજદ્વારી સહાય નહીં મળે. નોંધનીય છે કે, આ મહિનાની ૨ તારીખે જાધવ સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાની અજાણ્યા સ્થળે મુલાકાત કરી હતી.

કુલભૂષણ જાધવ આતંકવાદ, જાસૂસી અને ગડબડ ફેલાવવાના આરોપમાં ૨૦૧૬થી પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને ૨૦૧૭માં તેમને એક આર્મી કોર્ટે મોતની સજા ફટકારી હતી. ભારત કહેતું રહ્યું છે કે તેમને ઈરાનથી કિડનેપ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનમાં તેમની હાજરી કયારેય પુરાવાઓ સાથે નથી રજૂ કરવામાં આવી. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ બાદ થોડા દિવસો પહેલા જ ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયા અને જાધવની વચ્ચે મુલાકાત થઈ હતી.

પાકિસ્તાની અધિકારીઓએ જાધવની સાથે ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાની પહેલી મુલાકાતમાં દ્યણો દુર્વ્યવહાર કર્યો હતો. પાકિસ્તાની જેલમાં ૩ વર્ષ કરતાં વધુ સમયથી કેદ ભારતીય નાગરકિ કુલભૂષણ જાધવની મુલકાત ડેપ્યુટી હાઇ કમિશ્નર સાથે થઈ હતી. આ મુલાકાત એક સબજેલમાં કરાવવામાં આવી અને નિર્ધારિત સમયથી એક કલાક વિલંબથી અધિકારીઓએ તેમને મળવા દીધા. પહેલા ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાની મીટિંગ પાક. વિદેશ મંત્રાલયની મુખ્ય ઓફિસમાં નક્કી કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને અવળચંડાઈ કરતાં કોઈ અજાણ્યા સ્થળે મીટિંગ કરાવી હતી.

ભારતીય નેવીના ૪૯ વર્ષીય સેવાનિવૃત્ત અધિકારી જાધવને પાકિસ્તાનની આર્મી કોર્ટે જાસૂસી અને આતંવાદના ગુનામાં એપ્રિલ ૨૦૧૭માં મોતની સજા ફટકારી હતી. ભારતનું કહેવું છે કે જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું જયાં તેઓ નેવીથી સેવાનિવૃત્ત થયા બાદ વેપારના ઉદ્દેશ્યથી ગયા હતા અને તેમની પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

(4:00 pm IST)