મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ગુનો એ ગુનો

વૃક્ષારોપણ કરેલા છોડ કેમ ખાધા? બે બકરીની ધરપકડ

હૈદ્રાબાદ, તા.૧૨: તેલંગાણામાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં રોપાઓ ખાવા બદલ પોલીસે બે બકરીઓની ધરપકડ કરી હતી. જે બાદમાં બકરીના માલિકે દંડ ભરીને બકરીઓને મુકત કરાવી હતી. આ બનાવ કરીમનગર જિલ્લાના હુઝુરાબાદ શહેરમાં બન્યો હતો. ‘ave The Trees’ નામની સંસ્થાએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી હતી. ફરિયાદ પ્રમાણે બંને બકરીઓ તેમણે રોપેલા છોડ ખાઈ ગઈ હતી.

 

હિન્દુ સાથે આ બાબતે વાત કરતા હુઝુરાબાદના ઇન્સ્પેકટર માધવીએ જણાવ્યું હતું કે, 'બકરીઓ એક સ્વૈચ્છિક સંસ્થા તરફથી રોપવામાં આવેલા છોડ ખાઈ ગયા બાદ સંસ્થાના અનિલ અને વિક્રાંથ નામના બે પ્રતિનિધિઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે બકરીઓ વારંવાર તેમના છોડ ખાઈ જાય છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની સંસ્થાએ શહેરમાં ૯૦૦ છોડ વાવ્યા હતા, જેમાંથી ૨૫૦ છોડ આ બંને બકરીઓ ખાઈ ગઈ હતી.'

મંગળવારે સંસ્થાના પ્રતિનિધિઓએ બકરીઓને છોડ ખાતા 'રંગે હાથે'ઝડપી પાડી હતી! જે બાદમાં બકરીઓને પકડીને પોલીસને સોંપી દેવામાં આવી હતી. બકરીઓ પકડાય બાદ તેના માલિકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે રૂ. ૧૦૦૦નો  દંડ ફટકાર્યા બાદ બંને બકરીઓને માલિકને સોંપી હતી. સાથે જ પોલીસે એવી શરત પણ મૂકી હતી કે હવેથી માલિક બકરીઓને ચારો ચરાવવા માટે શહેરની બહાર લઈ જશે અથવા તેના ઘરે જ ચારો આપશે. બકરીને માલિક શહેરના કુમ્મારીવાડા વિસ્તારમાં રહેતો હોવાનું માલુમ પડયું છે.

(3:50 pm IST)