મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

અમારી કૂચ નિષ્ફળ બનાવવા કારસોઃ મુખ્યમંત્રી રેડ્ડી મારી કેડર્સને ડરાવે છેઃ ૮ કાર્યકરોની હત્યા કરાઈઃ ધમકીઓનો દોર ચાલુઃ ચંદ્રાબાબુ નાયડુ

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેના પુત્રને નજરકેદ કરાયા છેઃ ગુન્ટુરમાં પરિસ્થિતિ તનાવપૂર્ણઃ પલનાડુ પ્રદેશમાં પોલીસ દ્વારા મોટા પાયે લોકોને એકત્રિત થવા ઉપર પ્રતિબંધ

અમરાવતી,તા.૧૨: આંધ્રપ્રેદશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશને શાસક વાયએસઆરસીપી નેતાઓ દ્વારા ટીડીપીના કેડર્સ પર કરાયેલા હુમલા અંગે ટીડીપી દ્વારા યોજવામાં આવેલી વિરોધ કૂચનું નેતૃત્વ કરવાથી ચંદ્રાબાબુને અટકાવવા માટે બુધવારે પોલીસ દ્વારા તેમને નજરકેદ કરાયા છે. ચંદ્રાબાબુ નાયડુ 'ચાલો અટમાકુરૂ' રેલીનું નેતૃત્વ કરવા માટે ગુન્ટુર શહેર જવા માટે રવાના થવાના હોવાથી અમરાવતીમાં ઉન્ડાવલ્લી ખાતે પોલીસે તેમના ઘરની બહાર તેમને નીકળવા દીધા ન હતા.

રાજય વિધાનસભામાં વિપક્ષના નેતા ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે વાયએસઆરસીના માણસો દ્વારા ગ્રામજનોને કાઢી મૂકાયા હોવાથી ગ્રામજનોને અટમાકુરૂ મૂકવા માટે ત્યાં જવાની તેમની યોજના હતી. આ કોઈ આંદોલન ન હતું પરંતુ રાજકીય જૂથવાદનો ભોગ બનેલા લોકો સાથે એકતા દર્શાવવાનું હતું.

ટીડીપીની કૂચ નિષ્ફળ બનાવવા માટે વધારાના પોલીસ દળોની ગોઠવણી કરવામાં આવતા ગુન્ટુર શહેરમાં તનાવ ફેલાયો છે.

તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના વડા એન.ચંદ્રાબાબુ નાયડુએ પાર્ટીના કાર્યકરો અને અન્ય કેડર્સને બચાવવાના ઉદ્દેશ્ય સાથે અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે વાયએસઆરસર કોંગ્રેસના અધ્યક્ષ અને મુખ્યમંત્રી પર આતંક ફેલાવવાનો અને તેમની કેડર્સને પ્રતાડિત કરવાનો આરોપ મૂકયો હતો. ગત અઠવાડિયે જ પૂર્વ મુખ્યમંત્રી નાયડુએ ગંટુરમાં આવેલા પાર્ટીના હેડકવાર્ટરને એક રિહેબિલિટેશન સેન્ટરમાં રૂપાંતરિત કરી દીધું હતું અને વાયએસઆફરસીપીના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલામાં જે પીડિત થયા તેમને અહીં રાખવામાં આવ્યા છે.

મીડિયાના અહેવાલ અનુસાર ટીડીપી કાર્યકરોનો એક મોટો સમૂહ આરોપ મૂકે છે કે વાયએસઆરસીપીના કાર્યકરોના હુમલાના ભયે તેઓ શહેર અને ઘર છોડી ગામડે પલાયન કરી જવા મજબૂર થયા છે. છેલ્લા ચાર દિવસોથી ટીડીપી દ્વારા પીડિતોને ભોજન અને રહેવા માટે આશ્રય પૂરૃં પાડવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રેદશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુ, તેમના પુત્ર નારા લોકેશ અને તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ઘણા નેતાઓને વાયએસ જગન મોહન રેડી સરકાર સામે વ્યાપક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા અટકાવવા માટે નજરકેદ કરવામાં આવ્યા છે. રાજકીય ચડસાચડસીથી ભડકેલી હિંસાથી સૌથી વધુ ખરાબ રીતે અસરગ્રસ્ત પલનાડુ પ્રદેશમાં પોલીસ દ્વારા મોટાપાયે એકત્રિત થવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે 'લોકશાહી માટે આ કાળો દિવસ છે.' તેમણે એવું પણ કહ્યું કે પોલીસની કાર્યવાહી 'અત્યાચારી' અને ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

નાયડુએ પોતાના ઘરે પત્રકારોને જણાવ્યું કે આ સરકાર માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોનો ભંગ કરી રહી છે. હું સરકારને ચેતવણી આપું છું. હું પોલીસને પણ ચેતવણી આપું છું. અમારી ધરપકડ કરીને તમે અમારા પર કાબૂ મેળવી શકશો નહીં. બુધવારે રાત્રે આઠ વાગ્યા સુધી નાયડુ ઉપવાસ પર હતા.

ટીડીપીના નજરકેદ કરાયેલા કેટલાક નેતાઓમાં દેવીનેની અવિનાશ , કેસીનેની નાની અને ભૂમા અખિલાપ્રિયાનો સમાવેશ થાય છે.

ચંદ્રાબાબુની પાર્ટીએ એવો આરોપ મૂકયો કેગયા સપ્તાહે સત્તામાં૧૦૦ દિવસ પુરા કરનારી રેડીની પાર્ટી તરફથી ટીડીપીના ઘણા નેતાઓ અને કાર્યકરો ધમકીનો સામનો કરી રહ્યા છે. ટીડીપીના આઠ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક ડી ગૌતમ સ્વાંગે જણાવ્યું કે સાવચેતીના પગલારૂપે નાયડુને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે એક નિવેદનમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કેનાયડુના પગલાંઓથી ગુન્ટુર જિલ્લાના પલનાડુ પ્રદેશમાં તનાવ વધી રહ્યો છે અને કાયદો-વ્યવસ્થા સામે અવરોધો ઉભા થઇ રહ્યાછે.

લોકેશે જણાવ્યું છે કે શાસક પાર્ટી દ્વારા સમગ્ર આંધ્રપ્રદેશમાં અમારી પાર્ટીનું ગળું દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે લોકશાહી રીતે અમારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ પરંતુ અમારી સમગ્ર નેતાગીરીને નજરકેદ કરવામાં આવી છે. આ લોકશાહીની હત્યા છે. આ સરમુખત્યારશાહી છે. ટીડીપીના નેતાઓ અને કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. વાયએસઆરસીપીના ધારાસભ્યો જાહેરમાં અમને ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે પોલીસ અમારી સાથે છે.

નાયડુના નેતૃત્વવાળી અગાઉની સરકાર દ્વારા આચરવામાં આવેલી હિંસા સામેના વિરોધમાં શાસક પાર્ટીએ પણ આજે વળતી-કૂચ (કાઉન્ટર-માર્ચ)નું આયોજન કર્યું હતું. હિંસાથી સૌથી વધુ ખરાબ રીતે અસરગ્રસ્ત પલનાડુ પ્રદેશ અને અટમાકુરૂ જિલ્લાના લોકોને આગળ આવીને તેમની ફરિયાદો શેર કરવાની વાયએસઆરસીપીએ હાકલ કરી છે.

વાયએસઆરસીપી સત્તામાં આવી છે ત્યારથી છેલ્લા ત્રણ મહિનામાં શાસક પક્ષના નેતાઓ અને કેડર્સ દ્વારા કરવામાં આવેલા હુમલાથી ટીડીપીના કાર્યકરોની પ્રવૃત્તિઓનો અંત આવી ગયો છે. શાસક પાર્ટીના કાર્યકરોના હુમલામાં ટીડીપીના આઠ કાર્યકરો માર્યા ગયા છે.

રેડીની પાર્ટીએ આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૭૫ માંથી ૧૫૧ અને લોકસભાની ચૂંટણીઓમાં રપમાંથી ૨૨ બેઠક જીતીને ટીડીપીનો સફાયો કરી નાખ્યો હતો.

(3:47 pm IST)