મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ઇસરોની વ્હારે નાસાઃ વિક્રમ લેન્ડરને ધડાધડ મેસેજો મોકલાય છેઃ સંપર્ક માટે પ્રયાસો

ભારતનું ચંદ્રયાન-૨ મિશન હજુ ખતમ થયું નથી. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમને બેઠુ કરવા માટે તમામ તાકત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન NASA પણ જોડાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લેન્ડર વિક્રમને નાસા પણ સંદેશ મોકલી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કોમ્યુનિકેશન એક તરફી જ રહ્યું છે. એટલે કે લેન્ડર વિક્રમ તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી.

 NASAની જેટ પ્રોપલશન લેબોરેટરી એ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. નાસા આ કામ ડીપ સ્પેસ નેટવર્ક (DSN)ના માધ્યમથી કરી રહ્યું છે. અમેરિકાના એક એસ્ટ્રોનોટ સ્કોટ ટિલે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે નાસાએ કેલિફોર્નિયા સ્થિત DSN સ્ટેશનથી લેન્ડર વિક્રમને રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. તેઓએ સિગ્નલને રેકોર્ડ કરી ટ્વિટર પર શેર કરી છે.

 ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઇસરોના ચંદ્રયાન-૨ મિશનના નાસાએ વખાણ કર્યા હતા. નાસાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, અંતરિક્ષમાં શોધ કરવી મુશ્કેલ કામ છે. અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઇસરોના ચંદ્રયાન-૨ને ઉતારવાના પ્રયાસને બિરદાવીએ છીએ.   ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમ સાથે શનિવારે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદથી અત્યાર સુધી ૬ દિવસ પસાર થઈ ચૂકયા છે. પરંતુ હજુ સુધી ચંદ્રની સપાટીથી કોઈ સારા સમાચાર આવ્યા નથી. આ મિશનને પૂરું કરવા માટે ઇસરોના વૈજ્ઞાનિકો પાસે હવે માત્ર ૯ દિવસનો સમય બચ્યો છે. ૨૧ સપ્ટેમ્બર સુધી જ તેઓ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ત્યારબાદ લૂનર નાઇટની શરૂઆત થતાં જ સ્થિતિ બિલકુલ બદલાઈ જશે. ૧૪ દિવસ સુધી જ વિક્રમને સૂરજનો પ્રકાશ મળશે.   (૪૦.૮)

(1:04 pm IST)