મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

વાહન ચાલકો પાસે PUC પોલીસ માગશે કે RTO? દ્વિધાથી દહેશત

કેન્દ્રના કાયદા મુજબ પોલીસને PUC માગવાની સતા નથી!: PUC ની સતા અમને નથી ટ્રાફીક DCP: RTO કહે છે માર્ગદર્શિકા આવી નથી

અમદાવાદ તા ૧૨  :  આગામી સોમવારથી ટ્રાફિક નિયમોના નવા દંડ અમલ થવાનો છે, ત્યારે PUC સર્ટિફીકેટ મેળવવા વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી. મુખ્ય કારણ એ છે કે, હેલમેટ પહેરી હોય તેવા વાહનચાલકોને અટકાવીને ટ્રાફિક પોલીસ PUC, રજીસ્ટ્રેશન પેપર્સ અને ઇન્સ્યોરન્સ પેપર્સ જોવા માગે છે. કેન્દ્ર સરકારે અમલી બનાવેલા નવા નિયમ મુજબ, RTO તંત્ર તરફથી ઇસ્યુ કરવામાં આવતા પેપર્સ તપાસવાની સત્તા ટ્રાફિક પોલીસને નથી. આ કાયદાનુસાર એવી સ્પષ્ટ સમજ પ્રવર્તે છે કે, પોલીસને PUC માગવાની સત્તા નથી. અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી તેજસ પટેલને આ બાબતે પુછતાં તેમણે કહ્યંું હતુ ંકે, 'PUC' ની સતા અમને નથી. આ કામગીરી આર.ટી.ઓ. તંત્રની છે' જયારે, આસિ. RTO એમ.એ. મોજણીદારે જણાવ્યું કે, ગુજરાત સરકાર તરફથી માર્ગદર્શિકા હજુ મળી નથી એટલે  આ બાબતે કંઇ કહી ન શકાય. બીજી તરફ, સરકાર તરફથી મંગળવારે સત્તાવાર પત્રકાર પરિષદમાં જે વિગતો જાહેર કરવામાં આવી છે તેના કારણે દ્વિધાની સ્થિતી મજબુત બની છે. લાઇસન્સ,વીમો, PUC, આર.સી.બુક જેવા દસ્તાવેજો સાથે ન હોવા અને PUC કઢાવેલું ન હોવાના કિસ્સામાં પોલીસ હેડ કોન્સ. કે આસિ. RTO ઇન્સ્પેકટર કે  ઉપરી અધિકારી દંડ કરી શકશે તેમ જણાવ્યું હતું. જયારે મુદ્દા નં.૧૪માં પ્રદુષણયુકત વાહન ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહીની સત્તા માત્ર RTO ના આસિ. ઇન્સ્પેકટર અપાઇ છે. પ્રદુષણમાપન  માટે PUC હોવાથી આ સત્તા RTO  તંત્રને હોવાનુ સ્પષ્ટ સમજાય છે. મુંબઇ પોલીસ વર્ષ ૨૦૧૭થી જ PUC તપાસતી નથી અને કેન્દ્ર સરકારનો કાયદો આમ કહે છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી PUC ના મામલે 'દ્વિધાથી ડર' થયાવત રહેશે.

(11:42 am IST)