મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ટ્રાફિકના આકરા દંડના નિયમોથી ભાજપના જ કેટલાક રાજ્યો નારાજ

મહારાષ્ટ્ર-હરીયાણા-ઝારખંડમાં ચૂંટણી આવી રહી છેઃ મુખ્યમંત્રીઓને પ્રજા નારાજ થવાનો ભયઃ કેન્દ્રને લખ્યા પત્રોઃ ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ દંડની રકમ ઘટાડીઃ અનેક રાજ્યો હજુ નિયમોના પાલનના મુહુર્તો જુએ છેઃ અનેક રાજ્યો અમલની વિરૂદ્ધમાં

નવી દિલ્હી, તા. ૧૨ :. એક દેશ એક વિધાનનો નારો આપનાર ભાજપની કેન્દ્ર સરકાર માટે તેનો જ એક કાનૂન મુસિબત બની ગયો છે. ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે લાવવામાં આવેલ નવા મોટર વ્હીકલ એકટમાં દંડની રકમને વધારી દેવામાં આવી છે. ૧લી સપ્ટેમ્બરથી લાગુ થયેલા કાનૂન હેઠળ હજારો લોકોએ અત્યારે દંડ ભરવો પડયો છે, પરંતુ અનેક રાજ્યો સરકારો આનાથી સતર્ક બની ગઈ છે. અનેક રાજ્ય સરકારોએ કાયદામાં ફેરફારો કરી દંડની રકમને ઘટાડી દીધી છે અને આ રાજ્યોની યાદીમાં ભાજપની રાજ્ય સરકારો જ આગળ છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ નવા કાનૂન હેઠળ દંડની રકમ ૧૦૦૦થી વધારી ૫૦૦૦ કે ૧૦૦૦૦ કરી છે. નવો કાનૂન લાગુ થયો તો ૨૫૦૦૦, ૫૦૦૦૦ના ચલણ ફાટયાના સમાચાર પણ આવ્યા છે. સામાન્ય લોકો વચ્ચે ફેલાયેલા રોષ દરમિયાન રાજ્ય સરકારોએ આ કાયદામાં જ એક રસ્તો શોધ્યો છે અને તેનો અમલ ગુજરાતે કર્યો. ગુજરાતમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો અને કેટલાક દંડની રકમમા ૯૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો. ગુજરાતે એક રસ્તો બતાડયો તો અન્ય રાજ્યો પણ તેના પર ચાલવા લાગ્યા. આમા એવા કેટલાક રાજ્યો છે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણી થવાની છે. ખાસ વાત એ છે કે ૩ રાજ્યો ભાજપ શાસિત છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર જાગ્યુ અને કેન્દ્રને પત્ર લખી દંડની રકમ પર ચિંતા વ્યકત કરી. મહારાષ્ટ્રની સરકારને ચિંતા છે કે, વધેલી દંડની રકમ કયાંક મતો ઘટાડી ન દે. મહારાષ્ટ્રની રાહ પર ઝારખંડ અને હરીયાણા પણ ચાલ્યા. ઝારખંડ ટૂંક સમયમાં સત્ર બોલાવી કાયદામાં ફેરફારો કરશે તો હરીયાણાએ ૪૫ દિવસનું જાગૃતતા અભિયાન ચલાવવાનું નક્કી કર્યુ છે.

મહારાષ્ટ્ર, ઝારખંડ, હરીયાણામાં ચૂંટણી છે તેથી દંડ ઘટાડવાના નિર્ણયને રાજકીય ચશ્માથી જોવામાં આવી રહ્યા છે, પરંતુ તેમા ઉતરાખંડ અને કર્ણાટક પણ જોડાઈ ગયા છે. ઉતરાખંડે ૯૦ ટકા દંડ ઘટાડવા કહ્યુ છે તો કર્ણાટક પણ દંડ ઘટાડશે.

આ રાજ્યો ઉપરાંત અનેક ભાજપ શાસિત રાજ્યો એવા છે જેણે હજુ નોટીફીકેશન જાહેર નથી કર્યુ. યુપીમાં હજુ અમલ નથી થયો. માત્ર ભાજપના રાજ્યો જ નહિ પરંતુ અનેક વિપક્ષી રાજ્યો છે જેમણે હજુ આ કાયદાને લાગુ નથી કર્યો.

(11:39 am IST)