મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

સુપ્રિમ કોર્ટ કહે છે...

આંતરજ્ઞાતિય લગ્નો સમાજ માટે સારાઃ પ્રોત્સાહન મળવું જોઈએ

નવી દિલ્હી, તા.૧૨: સુપ્રીમ કોર્ટે બુધવારે આંતરજ્ઞાતિય લગ્નના કેસની સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. એક પિતાએ પોતાની દીકરીના આંતરજ્ઞાતિય લગ્નને પડકારતી અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે, દીકરી સાથે લગ્ન કરનારા મુસ્લિમ યુવકે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. માત્ર લગ્ન કરવા માટે યુવકે નકલી દસ્તાવેજોના આધારે હિંદુ ધર્મ સ્વીકાર્યો અને લગ્ન બાદ ફરીથી મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો. જસ્ટિસ અરુણ મિશ્રા અને એમ. આર. શાહની બેન્ચે કહ્યું, આંતરજ્ઞાતિય લગ્નમાં કશું ખોટું નથી પણ છોકરીનું હિત જળવાવું જોઈએ. તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓમાં છોકરીને પરેશાન થવાનો વારો ન આવવો જોઈએ અને યુવક યુવતીને વફાદાર હોવો જોઈએ.

છત્તીસગઢમાં એક હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. કથિત રીતે યુવતી સાથે લગ્ન કરવા માટે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. જે બાદ વિવાદ શરૂ થયો હતો. ગયા વર્ષે પણ યુવતીના પિતાએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી કરી હતી અને એ વખતે યુવતી માતા-પિતા સાથે જવા તૈયાર થઈ હતી. યુવતીના નિર્ણય બાદ કોર્ટે ઓર્ડર પાસ કર્યો હતો. જો કે, યુવતીના પતિએ ફરિયાદ કરતાં પોલીસ યુવતીને લઈ ગઈ હતી અને તેને સખી સેન્ટરમાં રાખી હતી.

ત્યારપછીથી યુવતીએ હાઈકોર્ટમાં પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યકત કરી હતી. હાઈકોર્ટે યુવતીની તરફેણમાં ચૂકાદો આપતા તેના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. અરજીકર્તાના વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરતાં કહ્યું કે, યુવકે કરેલું ધર્મ પરિવર્તન ડોળ હતો કારણકે લગ્ન બાદ તેણે ફરીથી મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો હતો. સીનિયર વકીલ રોહતગીએ વિનંતી કરી કે, આ કેસની તપાસ કરવામાં આવે કારણકે આંતરજ્ઞાતિય લગ્નની આડમાં આ એક રેકેટ હોઈ શકે છે.

જજોની બેન્ચે ટાંકયું કે, તેઓ આંતરજ્ઞાતિય લગ્નની વિરુદ્ઘમાં નથી. આવા લગ્નનો પ્રોત્સાહન મળવું જોઈએ કારણકે તે સમાજ માટે સારા છે પરંતુ આ તે સાચા પણ હોવા જોઈએ. તેમણે કહ્યું, અમે આંતરજ્ઞાતિય કે આંતરધર્મીય લગ્નની વિરુદ્ઘમાં નથી. આવા લગ્નનો પ્રોત્સાહન મળવું જોઈએ. પરંતુ અમને ચિંતા છોકરીના ભવિષ્યની અને તેના હિતનું રક્ષણ થશે કે નહિ તેની છે. મહિલાઓના હિતનું રક્ષણ થવું જ જોઈએ.(૨૩.૩)

(10:05 am IST)