મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

પાકિસ્તાને LoC પર ૩૦ લોન્ચ પેડ તૈયાર કર્યાઃ ભારતમાં મોટું કાવતરૂ રચવાની તૈયારી

પાકિસ્તાનની ચાલ : ૨૩૦થી ૨૮૦ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં

શ્રીનગર, તા.૧૨: જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાનની નારાજગી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાન તમામ શકય પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા માટે ભારતીય સીમાની પાસે અત્યાર સુધી ૩૦ લોન્ચ પેડ તૈયાર કરી ચૂકયું છે. પાકિસ્તાનનો ઉદ્દેશ્ય આ લોન્ચ પેડની મદદથી ગુરેજ, કરન અને ગુલમર્ગ સેકટરમાં આતંકીવાદીઓને ઘૂસણખોરીના પ્રયાસો વધુ સઘન કરવાનો છે.

સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારી મુજબ, પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ  આ લોન્ચ પેડ દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યું છે. લશ્કર અને જૈશના આતંકવાદી સતત ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસમાં લાગેલા છે પરંતુ ભારતીય સુરક્ષા દળો તેમના બદઇરાદાને સફળ નથી થવા દેતા. પાકિસ્તાને ભારતમાં આતંક ફેલાવવા માટે અફદ્યાનિસ્તાનના આતંકવાદીઓને પણ એલઓસીની નજીક મોકલી આપ્યા છે. આ દળમાં ૨૩૦-૨૮૦ આતંકવાદીઓ સામે થવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં બુધવારે લશ્કરના ટોપ આતંકવાદી આસિફ મકબૂલ ભટને ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકવાદી આસિફે જ થોડા દિવસો પહેલા સોપોરમાં ફળ વિક્રેતા પરિવાર પર ફાયરિંગ કર્યુ હતું, જેમાં પરિવારના ત્રણ સભ્ય દ્યાયલ થયા હતા. દ્યાયલોમાં આસમા જાન નામની એક ૫ વર્ષની બાળકી પણ સામેલ હતી. સોપોરમાં શફી આલમ નામના પ્રવાસી મજૂર પર થયેલું ફાયરિંગ પણ તેણે જ કર્યુ હતું.

(10:04 am IST)