મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

ડીકે શિવકુમારની પુત્રીને ઈડી દ્વારા નોટીસ ફટકારી દેવાઈ

૨૨ વર્ષીય પુત્રી અબજોેની સંપત્તિની માલિક છે : ચૂંટણી એફિડેવિટમાં કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે ૬૧૮ કરોડની તેમજ પુત્રીની ૧૦૮ કરોડની સંપત્તિ જાહેર કરી

બેંગલોર, તા. ૧૧ : એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની પુત્રીને નોટીસ ફટકારવામાં આવી છે. દિલ્હીની એક કોર્ટે શિવકુમારને ૧૩મી સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે. એવી ચર્ચા છે કે, ડીકે શિવકુમારે પોતાની ૨૨ વર્ષીય પુત્રી એશ્વર્યાના નામ ઉપર કરોડો રૂપિયાની સંપત્તિ ખરેદેલી છે. ૨૦૧૮માં ચૂંટણી એફિડેવિટમાં પણ શિવકુમારે પોતાના નામ ઉપર ૬૧૮ કરોડ રૂપિયાની સંપત્તિ અને પુત્રીના ઉપર ૧૦૮ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની વાત કરી હતી. ૨૦૧૩ની એફિડેવિટમાં શિવકુમારે પુત્રીના નામ ઉપર ૧.૧ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની વાત કરી હતી. આના ઉપર પ્રશ્નો ઉભા થયા બાદ શિવકુમારે ખુલાસો કર્યો હતો કે, તેમની પુત્રી તેમના ઉપર આધારિત છે. તેઓ જનપ્રતિનિધી કાયદા હેઠળ તેમની પણ સંપત્તિ જાહેર કરી રહ્યા છે. મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ થયેલી એશ્વર્યા પોતાના પિતા દ્વારા સ્થાપીત ગ્લોબલ એકેડેમી ઓફ ટેકનોલોજીમાં ટ્રસ્ટી તરીકે છે. શિવકુમારે એફિડેવિટમાં આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, એશ્વર્યાએ બેંગલોરના બેલંદુર વિસ્તારમાં સોલ સ્પેસ સ્પ્રિટ મોલમાં ૭૬.૦૧ કરોડ રૂપિયામાં બિલ્ટ-અપ એરિયાની ખરીદી કરી છે. ઈડીની તપાસમાં એવી બાબત પણ સપાટી પર આવી છે કે, એશ્વર્યાને કૈફે કોફી ડે માંથી ૨૦ કરોડ રૂપિયાની લોન મળી હતી. ઈડીની અધિકારીઓ દ્વારા આ સંદર્ભમાં પૂછપરછ પણ કરવામાં આવનાર છે.

            ઈડીએ મંગળવારના દિવસે શિવકુમાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના એક કેસમાં તેમની પુત્રીને નોટીસ ફટકારી હતી. શિવકુમારે જુલાઈ ૨૦૧૭માં બિઝનેસ ડિલ માટે પોતાની પુત્રીની સાથે સિંગાપુરની યાત્રા કરી હતી. આ યાત્રા હવે તપાસના ઘેરામાં આવી ચુકી છે. શિવકુમાર ૨૦૧૬માં નોટબંધી બાદથી જ આવકવેરા વિભાગની તથા ઈડીની તપાસ હેઠળ હતા. તેમના નવી દિલ્હી સ્થિત ફ્લેટ પર બીજી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે આવકવેરા વિભાગની તપાસ દરમિયાન ૮.૫૯ કરોડ રૂપિયાની બિન હિસાબી રોકડ રકમ મળી હતી. ત્યારબાદ આવકવેરા વિભાગે કોંગ્રેસના નેતા અને તેમના ચાર સાથીઓની સામે જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં શિવકુમારની મુશ્કેલી વધી રહી છે. ડીકે શિવકુમારની પુત્રીને ઈડી તરફથી નોટીસ ફટકારવામાં આવ્યા બાદ તેમની સામે સંકજો મજબુત કરવામાં આવી રહ્યો છે. ડીકે શિવકુમારની મુશ્કેલી હાલ ઓછી થાય તેવા કોઈ સંકેત નથી.

(7:53 pm IST)