મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

સરકાર કેટલાક ક્ષેત્રોમાં ટીડીએસ લાગુ નહિ કરવા વિચારે છે

સરકાર કેટલાક ક્ષેત્રોમાં રાહત આપવા વિચારે છે જ્યાં મોટા ભાગે રોકડમાં સોદા થતા હોય છે જેમાં ખેડૂતોનો પણ સમાવેશ થાય છેઃ બજેટમાં સરકારે ટીડીએસનુ ગતકડુ અમલી બનાવ્યુ હતુઃ ચા, માઈનીંગ, પશુપાલન, ડેરી, પોલ્ટ્રી અને ફીશ ફાર્મીંગ જેવા ક્ષેત્રોને વાર્ષિક ૧ કરોડના રોકડ ઉપાડની લીમીટમાંથી મુકિત મળે તે જરૂરી છેઃ હાલ યાર્ડોમાં ખેડૂતો-વેપારીઓને મોટી મુશ્કેલી પડી રહી છેઃ સરકાર ટૂંક સમયમાં રાહતનો નિર્ણય લેશે

નવી દિલ્હી, તા. ૧૧ :. સરકારે કેટલાક વ્યવસાયોને ખાસ કરીને ખેડૂતોની સાથે કામ કરવાવાળાને પ્રતિ વર્ષ ૧ કરોડ રૂપિયાથી વધુના રોકડ ઉપાડ પર લગાવવામાં આવેલ ૨ ટકા ટીડીએસમાંથી છૂટ આપી શકે છ.ે રોકડ લેવડ-દેવડને ઘટાડવા માટે આ વર્ષના બજેટમાં રજુ કરવામાં આવેલ છૂટ ૧ લી સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે. ૨ ટકા ટીડીએસ એ તમામ ઉપાડ પર લાગુ થશે જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧ કરોડ રૂપિયાની ઉપાડની સીમા સમાપ્ત કરી ચૂકયા હોય. આ અંગે માહિતી આપતા સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે સરકાર કેટલાક ક્ષેત્રોમાં રાહત આપવા વિચાર કરી રહી છે, જ્યાં મોટાભાગે રોકડમાં સોદા થતા હોય.

સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે પ્રદેશવાર આવેલ વિવિધ આવેદનપત્રો ઉપર વિચાર કરી હાલ સમીક્ષા કરવામાં આવી રહી છે. એ મામલાઓ ઉપર વિચાર કરવામાં આવશે અને વ્યવસાયોને કેટલીક છૂટ પ્રદાન કરવામાં આવશે કે જ્યાં મોટા પ્રમાણમાં રોકડ ચુકવણુ અનિવાર્ય છે.

એક અન્ય અધિકારીએ જણાવ્યુ છે કે કાનૂન અનુસાર કેન્દ્ર સરકારની પાસે ભારતીય રીઝર્વ બેન્ક, આરબીઆઈ સાથે પરામર્શથી કેટલીક વ્યકિતઓ કે કેટલાક ક્ષેત્રોને ટીડીએસમાથી છૂટ આપવાના પાવર છે. નાણામંત્રાલય અને સીબીડીટીના પ્રવકતાઓએ સંભવિત ટીડીએસ છૂટ અંગે કશુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ એટલે કે સીએઆઈટીના મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જણાવ્યુ છે કે, વેપારીઓને ખેડૂતોને ચુકવણા કરવામાં સમસ્યા આ વી રહી છે જેઓ ચેક સ્વીકારવાનો ઈન્કાર કરે છે. તેઓ રોકડમાં ચૂકવણુ કરવા પર બે ટકા ટીડીએસનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની ચિંતાઓથી ઉજાગર કરવા માટે આ સંસ્થા આવતા સપ્તાહે નાણામંત્રી સિતારામનને મળે તેવી શકયતા છે.

ખંડેલવાલે જણાવ્યુ છે કે વેપારીઓ ૨ ટકા ટીડીએસ સહન કરી શકે તેમ નથી. ખેડૂતોની સમસ્યાઓ પણ સાચી છે અને વાસ્તવિક છે. તેઓ પોતાની ઉપજ વેચવા અને રોકડનો ઉપયોગ કરવા માટે બીજ, ખાતર અને અન્ય કૃષિ ચીજવસ્તુઓ વગેરે રોકડમાં ખરીદવા માટે શહેરોમાં આવે છે. શહેરો જેવી કુશળ બેન્કીંગ વ્યવસ્થાઓ ગામડાઓમાં હોતી નથી. તેથી ચેક ચુકવણુ હંમેશા એક વિકલ્પ હોતો નથી.

ખંડેલવાલે જણાવ્યુ હતુ કે વેપારીઓને વર્ષમાં ૧ કરોડ રૂપિયાથી વધુની જરૂરીયાત નથી હોતી. તેમણે કહ્યુ હતુ કે વેપારીઓએ નિયમીત રીતે રોકડ જરૂરીયાતો પૂર્ણ કરવા માટે ૧ કરોડ રૂપિયા રોકડા પુરતા છે, કારણ કે વેતનનુ ચુકવણુ તેઓ રોકડમાં નથી કરતા. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ચા, પશુપાલન, ખાણખનીજ, ડેરી, પોલ્ટ્રી અને માછલી પાલન જેવા ક્ષેત્રોમાં ૧ કરોડ રૂપિયાની રોકડ ઉપાડની સીમાથી છૂટની જરૂરીયાત છે.

નાણામંત્રી સિતારામને ૫ જુલાઈના રોજ પોતાના બજેટ ભાષણમાં બેન્કોમાંથી રોકડ ઉપાડ પર ટીડીએસ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. બેન્ક ખાતામાંથી મોટા પ્રમાણમાં રોકડ ઉપાડ માટે ૨ ટકાના દરથી ટીડીએસની જોગવાઈ કરવાનુ પ્રસ્તાવિત છે. સિતારામને પોતાના બજેટ ભાષણમાં છૂટનો સંકેત પણ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કેટલાક વ્યવસાય મોડલ, જ્યાં મોટા પ્રમાણમાં રોકડની જરૂરીયાત છે તેને છૂટ આપી શકાય છે.

(11:39 am IST)