મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

૭,૫૦૦ કરતા ઓછો મેઇન્ટેનન્સ ચાર્જ તો 'નો જીએસટી'

સોસાયટીનું વાર્ષિક કલેકશન રૂ. વીસ લાખથી ઓછું હશે તો પણ જીએસટી લાગશે નહીં

નવી દિલ્હી, તા.૧૧: હાઉસિંગ સોસાયટીને સભ્ય દ્વારા ચૂકવવામાં આવતો મેઇન્ટેનન્સ ચાર્જ પ્રતિ મહિને રૂ. ૭,૫૦૦ કરતા વધુ ન હોય તો તેના પર જીએસટી ન લગાવી શકાય, એવો આદેશ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ-એએઆર (તમિળનાડુ) એ આપ્યો હતો. જો આ રકમ કરતા વધુ ચાર્જ હોય તો સંપૂર્ણ રકમ પણ જીએસટી લાગશે. પોતાના આદેશમાં એએઆર દ્વારા આંકડાના ઉદાહરણ પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મેઇન્ટેનન્સ ચાર્જ સભ્યદીઠ પ્રતિ મહિને રૂ. ૯૦૦૦ હોય તો આ સંપૂર્ણ રકમ પર ૧૮ ટકા જીએસટી લગાવવામાં આવશે, નહીં કે ફકત રૂ. ૧૫૦૦ (૯૦૦૦-૭,૫૦૦) પર જ જીએસટી નક્કી કરવામાં આવશે. આ આદેશ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો હતો અને નાણાં મંત્રાલયે બાવીસમી જુલાઇએ આ આદેશ પર સ્પષ્ટતા કરી હતી.

આ સિવાય ટેકસ નિષ્ણાતો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાઉસિંગ સોસાયટીનું વાર્ષિક કલેકશન રૂ. વીસ લાખ કરતા હશે તો તેના પર જીએસટી લાગશે નહીં એટલે કે સભ્યદીઠ મેઇન્ટેનન્સ ચાર્જ રૂ. ૭,૫૦૦ કરતા વધુ હશે તો પણ જીએસટી લાગશે નહીં. પચીસમી જુલાઇ, ૨૦૧૮ પહેલા જીએસટી છૂટની મર્યાદા પ્રતિ મહિને રૂ. ૫,૦૦૦ હતી.

સોસાયટીઓ દ્વારા સિકયોરિટી, લિફટ વગેરે માટે મેઇન્ટેનન્સ ચાર્જ લેવામાં આવતો હોય છે.

(10:25 am IST)