મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

રાજસ્થાનની ઘટના

પરિવારના સભ્યોને ૫૦ લાખની વીમાની રકમ મળે એટલે શખ્શે પોતાની હત્યા કરાવી નાખી

નવી દિલ્હી, તા.૧૧: પરિવારના સભ્યોને વીમાની પચાસ લાખ રૂપિયાની રકમ મળે અને તેઓ બાકીની જિંદગી આરામદાયક રીતે વીતાવી શકે તે માટે રાજસ્થાનના ભાલવાડા જિલ્લામાં એક માણસે પોતાની જ હત્યા કરાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રૂપિયાનું ધિરાણ આપવાનો વેપાર કરતા બલબીર ખારોલ (૩૮)એ દેવામાં હોવાને કારણે આવો અંતિમ નિર્ણય નહોતો લીધો, પરંતુ તેણે જે લોકોને રૂપિયા ઉધાર આપ્યા હતા તે પાછા વસૂલ કરવામાં તેને મળેલી નિષ્ફળતાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો, એમ પોલીસે કહ્યું હતું.

એસપી હરેન્દ્ર મહાવરે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ખારોલની હત્યાને મામલે સોમવારે ધરપકડ કરાયેલા બે આરોપી રાજવીર સિંહ અને સુનીલ યાદવે પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે ખારોલે પહેલા પોતાના મૃત્યુ માટે અકસ્માતનો માર્ગ પસંદ કર્યો હતો, પરંતુ બાદમાં તેને તે બચી જશે એવી શંકા જાગી હતી.

આ એકદમ સાધારણ બાબત છે, પરંતુ હત્યાના આરોપીઓએ જ આ કબૂલ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ખારોલે જુદા જુદા લોકોને કુલ મળીને રૂ. ૨૦ લાખ ઉધાર આપ્યા હતા, પરંતુ આ રકમ તેમની પાસેથી વસૂલવામાં તે નિષ્ફળ રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

ત્યાર બાદ ખારોલે પોતાની જ હત્યાની યોજના ઘડી કાઢી હતી જેથી કરીને પરિવારજનોને વીમાની રકમ મળી રહે અને તેઓ આરામદાયક રીતે જિંદગી વીતાવી શકે. ખારોલે એકાદ મહિના અગાઉ ખાનગી કંપની પાસેથી વીમો ઉતરાવ્યો હતો અને પ્રથમ હપ્તો ભરી દીધો હતો. ત્યાર બાદ તેણે પોતાની હત્યા માટે સિંહ અને યાદવનો સંપર્ક સાધ્યો હતો અને એ કામ બદલ તેમને રૂ. ૮૦૦૦૦ આપવાનું વચન આપ્યું હતું.

યોજના મુજબ બે સપ્ટેમ્બરે ખારોલે એડવાન્સ રકમ પેટે બંને આરોપીને રૂ. ૧૦૦૦૦ આપ્યા હતા અને તેમની સાથે અવાવરું જગ્યાએ ગયો હતો અને તેમને કહ્યું હતું કે બાકીની રકમ મેં મારા ખિસ્સાંમાં રાખી છે જે તમે મારી હત્યા કર્યા બાદ લઈ લેજો.(૨૩.૨)

(10:09 am IST)