મુખ્ય સમાચાર
News of Monday, 12th August 2019

કમલનાથના ભાણેજે 'કળા' કરતાં ઇન્કમટેક્ષની કાર્યવાહીઃ ૩૦૦ કરોડનો બંગલો, ર૮૪ કરોડ રોકડા જપ્ત

બેનામી સંપતિ કાનુન હેઠળ કાર્યવાહીઃ હેલીકોપ્ટર કૌભાંડમાં ઇડીએ અગાઉ પુછપરછ કરી હતી

નવી દિલ્હી તા.૧ર :.. આઇટી વિભાગે કમલનાથના ભાણીયા રતુલ પુરી અને તેમના પિતા વિરૂધ્ધ બેનામી કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરતાં ૩૦૦ કરોડ રૂપિયાનો બંગલો અને લગભગ ર૮૪ કરોડ રૂપિયાનાં ફંડ જપ્ત કર્યા હતાં. આઇટી વિભાગે એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત રામા એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટેડના નામે રજીસ્ટર્ડ એક સ્થાવર સંપત્તિ સહિત બેનામી સંપત્તિ લેવડ-દેવડ કાયદા હેઠળ વ્યવસાયિકો રતુલ પુરી અને દીપક પુરીની સંપતિઓ જપ્ત કરી.

આ ઉપરાંત આઇટી વિભાગે રતુલ પુરી અને દીપક પુરીના લગભગ ર૮૪ કરોડની એફડીઆઇ રોકાણ જપ્ત કર્યા છે. રતુલ પુરી વિરૂધ્ધ આઇટી વિભાગની આ બીજી કાર્યવાહી હતી.

આ સિવાય આઇટી વિભાગે રતુલ પુરીના ૪૦ મિલિયન ડોલરનું ફોરેન ફંડ પણ જપ્ત કર્યુ છે. આઇટી વિભાગના કહેવા મુજબ રતુલ પુરીની કંપનીએ ૧૩પ૦ કરોડની કર ચોરી કરી છે. જે પછી બેનામી સંપત્તિ હેઠળ કાર્યવાહી થઇ છે.

પુરીનો બંગલો દિલ્હીના વૈભવી લુટીયંસ ઝોનમાં કલામ રોડ પર છે. આ બંગલો મોજર બેયર સમુહના નામે છે. આ કંપનીના માલિક તેમના પિતા દિપક પુરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેક્ષ ઓફિસરોને ૩૭૦ કરોડ રૂપિયાની અનસિકયોર્ડ લોન પણ મળી છે.

રતુલ નીતા અને દિપક પુરીના પિતા છે. નીતા પુરી કમલનાથની બહેન છે.

અગસ્તા વેસ્ટ લેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર સોદામાં પણ ઇડીએ રતુલ પુરી પર મની લોન્ડ્રીંગનો આરોપ મૂકયો છે. આ સોદો ૩૬૦૦ કરોડનો હતો અને સોદામાં ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો બાદ રદ કરાયો હતો. ઇડી-સીબીઆઇ તપાસ કરે છે. (પ-પ)

(11:45 am IST)