મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

જૂનમાં રિટેલ મોંઘવારી દર આઠ મહિનાની ટોચે પહોંચ્યો

કઠોળ-દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાથી મોંઘવારી વધ્યો

નવી દિલ્હી :જૂન મહિનામાં મોઁઘવારી દરમાં વધારો થયો છે. છૂટક મોંઘવારી દર 3.05 ટકાથી વધીને 3.18 ટકા નોંધાયો છે. સીએસઓએ રજૂ કરેલા આંકડા પ્રમાણે જૂનમાં ખાદ્ય ચીજોના ભાવમાં 2.1 ટકાનો વધારો નોંધાયો છે. અનાજના ભાવમાં 1.3 ટકાનો વધારો નોઁધાયો છે. આરબીઆઈએ છૂટક મોંઘવારી દર 4 ટકા આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

   સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓફિસ (CSO) દ્વારા આજે જાહેર કરાયેલા મોંઘવારીના આંકડા મુજબ જૂન મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન 2.17 ટકા રહ્યો છે જે તેની અગાઉના મહિને 1.83 ટકા હતો. પ્રોટિનના અગ્રણી સ્ત્રોત એવી ખાદ્યચીજો, ઇંડા-મીટના ભાવ વધ્યાં છે. જો કે શાકભાજી અને ફળના ભાવવૃદ્ધિનો દર નીચો રહ્યો છે જે મે મહિનાના 5.46 ટકાથી ઘટીને જૂન મહિનામાં 4.66 ટકા રહ્યો છે.

   અનાજના ભાવમાં મોંઘવારી દર 1.24 ટકાથી વધીને 1.31 ટકા થયો છે. કપડાં અને ચંપલના ભાવ જૂનમાં 1.52 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 1.8 ટકા ભાવ વધ્યા હતા. જૂનમાં કઠોળ-દાળના ભાવ નોંધપાત્ર વધતા સમગ્ર મોંઘવારી દર 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ગત જૂન મહિનામાં કઠોળ-દાળના ભાવ 5.68 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 2.13 ટકા જ ભાવ ઊંચકાયા હતા.

   બીજી બાજુ રિટેલ મોંઘવારી દર પણ વધીને 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જૂન મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) કે ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારીનો દર વધીને 3.18 ટકા નોંધાયો છે. જ્યારે મે મહિનામાં મોંઘવારી દર 3.05 ટકા અને જૂન 2018માં 4.92 ટકા હતો. કઠોળ-દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાથી મોંઘવારી વધ્યો છે.

(8:41 pm IST)