મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

મહેન્દ્રસિંહ ધોનીના બેટિંગ ક્રમને લઇ વધુને વધુ પ્રશ્નો ઉઠ્યા છે

સાતમાં નંબર પર બેટિંગને લઇને ગાવસ્કરના પ્રશ્ન : મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઇને હજુપણ ભારે સસ્પેન્સની સ્થિતિ

નવીદિલ્હી, તા. ૧૨ : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. મોટાભાગના ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ મહાન ખેલાડીઓ ધોનીને લઇને પ્રતિક્રિયા આપી રહ્યા છે. જુદા જુદા ખેલાડીઓના અભિપ્રાય પણ આ મામલે સપાટી ઉપર આવી રહ્યા છે. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી બાદ હવે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સુનિલ ગાવસ્કરે પણ સેમિફાઇનલમાં ધોનીના બેટિંગ ક્રમને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર માને છે કે, ન્યુઝીલેન્ડની સામે માન્ચેસ્ટરમાં સેમિફાઇનલની મેચ દરમિયાન જ્યારે ભારતીય ટીમે ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને બેટિંગ માટે ઉપરના ક્રમમાં મોકલવાની જરૂર હતી. સુનિલ ગાવસ્કર વિશ્વકપ સાથે જોડાયેલી ભારતીય ટીમ મેનેજમેન્ટની નીતિઓને લઇને ટિકા કરતા રહ્યા છે. ગાવસ્કરે હંમેશા ભારતીય બેટિંગ ક્રમમાં ફેરફારની પ્રશંસા કરી છે અને ફેરફારની તરફેણ પણ કરી છે. ન્યુઝીલેન્ડની સામે હાર થયા બાદ સુનિલ ગાવસ્કર પણ નાખુશ દેખાયા હતા. ગાવસ્કરનું કહેવું છે કે, જ્યારે ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન સસ્તામાં આઉટ થયા

હતા ત્યારે હાર્દિક અને રિષભ પંતને ઉપરના ક્રમમાં બેટિંગ માટે મોકલવાની બાબત સમજાઈ રહી નથી. પંડ્યા અને પંત બંને આક્રમક બેટ્સમેન છે. તેમની જગ્યાએ એક બાજુએ ધોનીને રહેવાની જરૂર હતી. પંતને અંકુશમા રહેવાની સલાહ પણ ધોની આપી શક્યો હોત. પંત એક ખરાબ શોટ મારીને આઉટ થયો હતો. તે ભારત માટે મોંઘો પુરવાર થયો હતો.

પૂર્વ કેપ્ટનનું કહેવું છે કે, ૨૪ રન પર ચાર વિકેટ હતી ત્યારે ધોની જેવા અનુભવી બેટ્સમેનની જરૂર હતી. ગાવસ્કરનું કહેવું છે કે, ધોનીને સાત નંબર ઉપર બેટિંગ માટે મોકલવામાં આવ્યો તે નિર્ણય સમજાઈ રહ્યો નથી. સમગ્ર ટુર્નામેન્ટમાં ધોનીએ ક્યારે પણ આટલા નિચલા ક્રમમાં બેટિંગ કરી ન હતી. મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, ધોનીએ સ્થિતિની દ્રષ્ટિએ પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો હતો. આજ કારણસર ધોનીને નિચલા ક્રમ પર મોકલવામાં આવ્યો હતો.

(7:53 pm IST)