મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

ચારા કૌભાંડમાં લાલૂ પ્રસાદ યાદવૂને બેલ પણ હજુ જેલમાં રહેવું પડશે

લાલૂ પ્રસાદ યાદવૂને આંશિક રાહત પરંતુ સજા પેટે જેલમાં : રાંચી હાઈકોર્ટે દેવઘર તિજોરી ઉચાપત મામલામાં લાલૂને જામીન આપ્યા : ડુમકા અને ચાઈબાસા કેસમાં હજુ જેલમાં

રાંચી, તા. ૧૨ : રાષ્ટ્રીય જનતા દળ અથવા તો આરજેડીના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના એક મામલામાં રાંચી હાઈકોર્ટ તરફથી જામીન મળી ગયા છે પરંતુ હાલમાં તેમને જેલમાં જ રહેવાની જરૂર રહેશે. લાલૂ યાદવે દેવઘર તિજોરી મામલામાં હાઈકોર્ટ તરફથી રાહત મળી ગઈ છે. હાઈકોર્ટે લાલૂ યાદવને જામીન સજાની અડધી અવધિ પસાર કરી દીધા બાદ આના આધાર પર જામીન આપ્યા છે. અલબત્ત આ મામલામાં જામીન મળી ગયા હોવા છતાં લાલૂને હાલમાં જેલમાં રહેવું પડશે. લાલૂ યાદવ તરફથી ૧૩મી જૂનના દિવસે રાંચી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આજે આ અરજી ઉપર સુનાવણી હાથ ધરતી વેળા દેવઘર તિજોરીમાંથી ઉચાપતના મામલામાં લાલૂને જામીન આપી દીધા હતા.

આ મામલા લાલૂ પોતાની અડધી સજા ગાળી ચુક્યા છે જેથી તેમને જામીન આપી શકાય છે. હાઈકોર્ટે લાલૂને શરતી જામીન આપ્યા હતા. જામીન માટે લાલૂને ૫૦-૫૦ હજાર રૂપિયાના બે હિસ્સા રજૂ કરવા પડશે. આ ઉપરાંત કોર્ટે લાલૂ યાદવને પાસપોર્ટ જમા કરાવી દેવા માટે આદેશ કર્યા હતા. આવી સ્થિતિમાં લાલૂ દેશની બહાર જઇ શકશે નહીં. હાઈકોર્ટે લાલૂને દેવઘર તિજોરી ઉચાપતના મામલામાં જામીન આપ્યા છે પરંતુ હજુ ચાઇબાસા અને ડુમકા તિજોરી મામલામાં જામીન મળ્યા નથી જેથી લાલૂ યાદવને જેલમાં રહેવાની ફરજ પડશે. લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં સજા ફટકારવામાં આવી છે. દેવઘર તિજોરીમાંથી આશરે ૮૯ લાખ ૨૭ હજારની ગેરકાયદે રકમ ઉપાડવાના મામલામાં ૨૩મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સીબીઆઈની ખાસ કોર્ટે લાલૂને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. લાલૂ યાદવ આ મામલામાં દોઢ વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. ડુમકા કેસમાં લાલૂને પાંચ વર્ષ અને ચાઈબાસા મામલામાં લાલૂને સાત વર્ષની જેલની સજા કરાઈ છે.

(8:38 pm IST)