મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

રદ ટિકિટોથી રેલવે દ્વારા ૧,૫૩૬ કરોડની કમાણી

આરટીઆઈમાં ખુલાસો કરાયો

         નવીદિલ્હી, તા. ૧૨ : ભારતીય રેલવે દ્વારા ટિકિટ બુકિંગની સાથે સાથે ટિકિટ કેન્સલ કરવાના મામલામાં પણ મોટી કમાણી કરી લીધી છે. આ માહિતી માહિતી અધિકાર હેઠળ સપાટી ઉપર આવી છે. આરટીઆઈ મારફતે આ માહિતી સપાટી ઉપર આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલવે દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ટિકિટ કેન્સલ કરવાથી ૧૫૩૬.૮૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આરટીઆઈ કાર્યકર દ્વારા રેલવે પાસેથી માહિતી માંગી હતી જેમાં રેલવે દ્વારા આ જવાબ આપવામાં આવ્યો છે. રેલવે ટિકિટ કેન્સલ કરવાના બદલે યાત્રીઓ પાસેથી વસુલ કરવામાં આવતા ચાર્જને ઘટાડવા કોઇ વિચારણા કરી રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રેલવે દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. મધ્યપ્રદેશના નિમચના નિવાસી આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગૌડ દ્વારા આજે આ મુજબની માહિતી આપી હતી કે, રેલવે મંત્રાલયના સીઆરઆઈએસ દ્વારા અલગ અલગ અરજીઓ ઉપર માહિતી મળી છે. પ્રશ્નોના જવાબમાં રેલવે દ્વારા રિઝર્વેશન ટિકિટોને રદ કરીને ૧૫૧૮.૬૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. યુટીએસ હેઠળ બુક કરવામાં આવેલા યાત્રી ટિકિટોને રદ કરવાતી રેલવેને ૧૮.૨૩ કરોડ રૂપિયા મળ્યા છે. રેલવે ટિકિટ રદ કરવાના બદલે યાત્રીઓ પાસેથી વસુલ કરવામાં આવતા ચાર્જને વ્યાપક જનહિતમાં ઘટાડવામાં આવે તે જરૂરી છે. આરટીઆઈ કાર્યકર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના યોગ્ય જવાબ મળ્યા છે.

(7:51 pm IST)