મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

રેલવેના ખાનગીકરણનો કોઇ પ્રશ્ન નથી : પીયુષ ગોયલ

કેટલાક યુનિટોને કોર્પોરેટ રંગ અપાશે

નવીદિલ્હી, તા. ૧૨ : સરકાર રેલવેના ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે તેવા વિરોધ પક્ષોના આક્ષેપોને ફગાવી દઈને રેલવે મંત્રી પીયુષ ગોયેલે આજે કહ્યું હતું કે, ખાનગીકરણનો કોઇ પ્રશ્ન નથી પરંતુ કહ્યું હતું કે, મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય હિતમાં પ્રોજેક્ટો, લાઈનો અને નવી ટેકનોલોજી માટે આમંત્રણ આપ્યું છે. સાથે સાથે મૂડીરોકાણ વધે તેવા હેતુ રાખવામાં આવી રહ્યા છે.

રેલવેની ગ્રાન્ટ માટે માંગણી પર ચર્ચાનો જવાબ આપતા લોકસભામાં પીયુષ ગોયેલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા માપદંડોને વધારવા માટે ખુબ સારુ કામ કર્યું છે. અગાઉના યુપીએ સરકારના ગાળાની સરખામણીમાં રેલવેના તમામ માપદંડને ઉલ્લેખનીયરીતે સુધારવામાં આવેલા છે. તેમના એક કલાક લાંબા ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ વારંવાર જોરદાર હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ ગૃહને ગેરમાર્ગે દોરવાનો તેમના ઉપર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના અન્ય સભ્યોએ તેમને ટેકો આપ્યો હતો. ગોયલે અલગ રેલવે બજેટ રજૂ કરવાની પ્રક્રિયાને બંધ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને આ રાજકીય બજેટ હતા.

(7:48 pm IST)