મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

આજી-ન્યારીમાં ફરી નર્મદાના નીર ઠાલવવા પડશેઃ ચિંતાના વહેણ

૩૧ જુલાઇ સુધીમાં વરસાદનું પાણી ન આવે તો રાજકોટ વધુ એક વખત નર્મદાના સહારેઃ હાલ ૧પ ઓગષ્ટ સુધીનું જ પાણી છેc

રાજકોટ, તા., ૧૨: વરસાદ ખેંચાઇ જતા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજકોટને પાણી પુરૂ પાડતા મુખ્ય જળાશયો આજી અને ન્યારીમાં પણ હવે માત્ર એક મહિના જેટલું પાણી હોય તંત્ર વાહકો દરરોજ ર૦ મીનીટ પાણી માટે ચિંતીત બન્યા છે અને જો આગામી ૩૧ જુલાઇ સુધીમાં સંતોષકારક વરસાદ ન પડે તો આ બન્ને જળાશયો નર્મદા નીરથી ભરી દેવાની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં રાજકોટ શહેરમાં ન્યારી અને આજી ડેમ ઉપરાંત બેડી ફિલ્ટર પ્લાન્ટથી નર્મદા પાઇપ લાઇન આધારીત યોજના દ્વારા દરરોજ ર૦ મીનીટ પાણી આપવામાં આવી રહયું છે. પરંતુ હવે તંત્રની ધારણા મુજબ જુલાઇ મહિનો શરૂ થઇ ગયો છે છતાં પણ વરસાદ નહી આવતા આગામી દિવસોમાં દરરોજ પાણી વિતરણ મુશ્કેલ બને તેવા સંજોગો વર્તાઇ રહયા છે.

આંકડાકીય માહીતી મુજબ આજી ડેમમાં હાલમાં ૩૧૪ એમસીએફટી પાણીનો જથ્થો છે જયારે ન્યારી-૧માં ૩૪૧ એમસીએફટી  પાણીનો જથ્થો છે. વોટર વર્કસ વિભાગના વોટર ટેબલ એટલે કે પાણી વિતરણના આંકડાઓ મુજબ આ જળજથ્થો આગામી ૧પ ઓગષ્ટ સુધી જ ચાલે તેટલો છે.

આમ હવે જો ૩૧ જુલાઇ સુધીમાં આજી અને ન્યારી બન્ને ડેમમાં જરૂરીયાત મુજબનું નવુ પાણી આવે તેવો સંતોષકારક વરસાદ ન પડે તો મ્યુ. કોર્પોરેશન દ્વારા રાજય સરકાર પાસે વધુ એક વખત ખોળો પાથરી અને આજી અને ન્યારી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરી આ બંન્ને ડેમમાં પર્યાપ્ત જળજથ્થો ઉપલબ્ધ કરાવે તેવી સતાવાર લેખીત માંગણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ભાદરમાં નર્મદા નીર ઠાલવવાનું બંધઃ સપાટી ૯ ફુટે પહોંચી

નોંધનીય છે કે રાજકોટને ભાદરમાંથી પાણી આપવામાં આવતું હતું તે હાલમાં બંધ કરી દેવાયું છે અને ભાદરમાંથી જેતપુર, ગોંડલ, શાપર-વેરાવળ વગેરેને પાણી વિતરણ થઇ રહયું છે. દરમિયાન ભાદર ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવતા હતા તે હવે બંધ કરી દેવાયા છે અને કુલ ૩૪ ફુટનો આ ડેમ હાલ ૯ ફુટની સપાટીએ પહોંચ્યો છે.

(3:15 pm IST)