મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

વિશ્વના દેશોના સૌથી શકિતશાળી પાસપોર્ટના રેન્ક જાહેર : ભારતનું સુચકાંકમાં ૮૬મું સ્થાન

જાપાન - સિંગાપોર ટોચના સ્થાને : યુએઈએ લાંબો કૂદકો મારી ૬૨માં સ્થાનથી સીધુ જ ટોપ-૨૦માં સ્થાન મેળવ્યુ : અફઘાનિસ્તાન સૌથી અંતિમ સ્થાને

નવી દિલ્હીઃ હેનલી પાસપોર્ટ ઈન્ડેકસ-૨૦૧૯ દ્વારા સૌથી શકિતશાળી પાસપોર્ટની યાદી જાહેર કરાઈ છે હેનલી પાસપોર્ટ ઈન્ડેકસમાં જાપાન અને સિંગાપોરે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જયારે યુએઈએ લાંબો કૂદકો મારીને ૬૨માં  સ્થાનથી સીધું જ ટોપ-૨૦માં સ્થાન મેળવ્યું છે,વિશ્વના ૧૯૯ દેશના પાસપોર્ટ રેન્કિંગમાં અફઘાનિસ્તાન સૌથી અંતિમ સ્થાને છે. ભારતે આ સૂચકાંકમાં ૮૬મું સ્થાન મેળવ્યું છે અને તેના પાસપોર્ટનો સ્કોર ૫૮ આવ્યો છે.

હેનલી પાસપોર્ટ સૂચકાંકમાં વિશ્વના ૧૯૯ પાસપોર્ટ અને ૨૨૭ પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અત્યંત નાના-નાના રાજયો અને પ્રદેશોને પણ સામેલ કરાયા છે . ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ) પાસેથી મળેલા ડાટાનું વિશ્લેષણ કરીને આ સૂચકાંક તૈયાર કરવામાં આવે છે.

જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ પર વિશ્વના ૧૮૯ સ્થળોની વગર વિઝાએ યાત્રા કરી શકાય છે જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ધારકોને આ સ્થળોએ પહોંચતાની સાથે જ વિઝા ઓન એરાઈવલ' આપી દેવામાં આવશે. ફિનલેન્ડ, જર્મની અને દક્ષિણ કોરિયા સંયુકત રીતે બીજા સ્થાને છે અને તેમના પાસપોર્ટ પર તમે ૧૮૭ સ્થળોની વગર વિઝાએ યાત્રા કરી શકો છો. હેનલી પાસપોર્ટ ઈન્ડેકસમાં ત્રીજા સ્થાને ડેનમાર્ક, ઈટાલી અને લકઝમબર્ગના પાસપોર્ટ છે અને આ પાસપોર્ટ પર ૧૮૬ સ્થળોની વગર વિઝાએ મુલાકાત લઈ શકાય છે.

ભારતે આ સૂચકાંકમાં ૮૬મું સ્થાન મેળવ્યું છે અને તેના પાસપોર્ટનો સ્કોર ૫૮ આવ્યો છે. એટલે કે, ભારતના પાસપોર્ટ પર તમે ૫૮ દેશની અગાઉથી વિઝા લીધા વગર યાત્રા કરી શકો છો. ભારતનો ક્રમ ૮૬મો છે અને તેની સાથે મોરિશિયા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ દેશ છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ૭૯માં સ્થાને હતું અને ભારતના પાસપોર્ટ પર ૬૧ દેશમાં વગર વિઝાએ જવાની અનુમતિ હતી આ વખતે ટોપ-૨૦ દેશમાં સામેલ થઈને યુએઈએ મોટો કૂદકો માર્યો છે. વર્ષ ૨૦૦૬માં યુએઈ ૬૨માં સ્થાને હતું. યુએઈએ આ વખતના સૂચકાંકમાં ૨૦મું સ્થાન હાંસલ કર્યું છે અને તેની સાથે ક્રોએશિયા અને સેન મારિનો દેશ છે. આ દેશોના પાસપોર્ટ પર ૧૬૭ દેશની યાત્રા કરી શકાય છે. દક્ષિણ કોરિયા અને જર્મની પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગયા છે.

વિશ્વના ટોપ-૧૦ સૌથી શકિતશાળી પાસપોર્ટની યાદી મુજબ

૧. જાપાન, સિંગાપોર (૧૮૯ દેશ)

૨. ફિનલેન્ડ, જર્મની, દક્ષિણ કોરિયા (૧૮૭ દેશ)

૩. ડેનમાર્ક, ઈટાલી, લકઝમબર્ગ (૧૮૬ દેશ)

૪. ફ્રાન્સ, સ્પેન, સ્વીડન (૧૮૫ દેશ)

૫. ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ્સ, પોર્ટૂગલ, સ્વિટ્ઝરલેન્ડ (૧૮૪ દેશ)

૬. બેલ્જિયમ, કેનેડા, ગ્રીસ, આયર્લેન્ડ, નોર્વે, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ (૧૮૩ દેશ)

૭. માલ્ટા (૧૮૨ દેશ)

૮. ચેઝ રિપબ્લિક (૧૮૧ દેશ)

૯. ઓસ્ટ્રેલિયા, આઈસલેન્ડ, લિથુઆનિયા, ન્યૂઝીલેન્ડ, (૧૮૦ દેશ)

૧૦. લાટિવિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા (૧૭૯ દેશ)

વિશ્વના અંતિમ-૫ સૌથી નબળા પાસપોર્ટ.

૧. સોમાલિયા (ક્રમ-૧૦૫, દેશ-૩૧)

૨. પાકિસ્તાન (ક્રમ-૧૦૬, દેશ-૩૦)

૩. સિરીયા (ક્રમ-૧૦૭, દેશ-૨૯)

૪. ઈરાક (ક્રમ-૧૦૮, દેશ-૨૭)

૫. અફઘાનિસ્તાન (ક્રમ-૧૦૯, દેશ-૨૫)

 

(11:33 am IST)