મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

દુષ્કર્મ કેસોની સુનાવણી માટે દેશમાં બનશે ૧૦ર૩ ખાસ અદાલતો

મહિલાઓ-બાળકોને સુરક્ષા આપવા અને ત્વરિત ન્યાય આપવા માટે

નવી દિલ્હી તા. ૧ર :.. મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને તેમને જલ્દી ન્યાય અપાવવા માટે સરકારે કમર કસી લીધી છે. આના માટે સરકાર મહિલાઓ અને બાળકો સાથે દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસોની ઝડપી સુનાવણી અને તપાસ સુનિશ્ચીત કરવાના ઇન્તઝામ કરી રહી છે. આના માટે દેશભરમાં ૧૦ર૩ ખાસ અદાલતો બનાવવામાં આવશે. તેમાં બાળ યૌન ઉત્પીડન વિરોધી કાયદા (પોકસો) હેઠળના કેસોની પણ સુનાવણી થશે. એક વર્ષમાં આ અદાલતોની રચના કરીને આ અદાલતોમાં એક વર્ષની અંદર જ યૌન ઉત્પીડનના કેસો પુરા કરવાનું લક્ષ્ય છે.

૧૮ રાજયો ખાસ અદાલત માટે સહમત થઇ ગયા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રવકતાએ કહયું કે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ચીત કરવા અને જલ્દી ન્યાય અપાવવા માટે ગૃહ, કાયદા અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય સાથે મળીને કામ કરી રહયા છે. આની રચના માટેના પૈસા નિર્ભયા ફંડમાંથી આવશે. ૧૦ર૩ અદાલતોની રચના માટે કુલ ૭૦૦ કરોડનો ખર્ચ થશે જેમાંથી ૪૭૪ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. જયારે બાકીના રૂપિયા રાજય સરકારોએ આપવાના રહેશે.

પોકસો હેઠળ ખાસ અદાલતોની રચના માટે ૧૮ રાજયોએ મંજૂરી આપી દીધી છે. જેમાં પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મણીપુર, મિજોરમ, ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, રાજસ્થાન, ઉતરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમીલનાડુ અને ગોવા સામેલ છે. આ દરેક કોર્ટનો વાર્ષિક ખર્ચ ૭પ લાખ રૂપિયા આવશે. આ અદાલતોના કામકાજની દેખરેખ કાયદા મંત્રાલય રાખશે અને ત્રિમાસીક રીપોર્ટ મેળવશે. એનસીઆરબીના આંકડાઓ અનુસાર બાળ યૌન ઉત્પીડનના મોટા ભાગના કેસ ઓળખીતાઓ દ્વારા જ થતા હોય છે.

(11:23 am IST)