મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

રામ મંદિર મામલે ઇંતજાર કરાશે : વિહિપની પ્રતિક્રિયા

સુપ્રીમના નિર્ણયથી વિહિપના લોકો સંતુષ્ટ દેખાયા : મંદિર નિર્માણ આડેની અડચણો દૂર થઇ રહી છે : ટૂંકમાં જ ભવ્ય મંદિર નિર્માણનું કામ શરૂ થશે : વિહિપને આશા

નવીદિલ્હી, તા. ૧૧ : હજુ સુધી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે કાયદો બનાવવાની માંગ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદને હવે રાહ જોવાની ફરજ પડશે. વિશ્વ હિન્દુ પરિષદના કારોબારી પ્રમુખ આલોકકુમારે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા બાદ એવું લાગી રહ્યું છે કે, હજુ થોડીક રાહ જોવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર જન્મભૂમિ મામલામાં મધ્યસ્થતા પેનલ પાસેથી ૧૮મી જુલાઈ સુધી રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, મધ્યસ્થતા મારફતે જો કોઇ ઉકેલ આવશે નહીં તો અમે આ મામલામાં દરરોજની સુનાવણી હાથ ધરીશું. કોર્ટ મામલામાં આગામી સુનાવણી ૨૫મી જુલાઈના દિવસે હાથ ધરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના કારોબારી પ્રમુખ આલોકકુમારે કહ્યું હતું કે, અમે કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ છીએ અને ખુશ પણ છીએ. આશાવાદી પણ છીએ. રામ મંદિર બનાવવા માટેની અડચણો દૂર થઇ રહી છે. રામ મંદિર નિર્માણ માટેનું કામ ટૂંકમાં જ શરૂ થશે. કોર્ટથી કોઇ આશા રહેલી નથી તેવી વાત લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. હવે વિચાર કેમ બદલાઈ ગયા છે તે અંગે પૂછવામાં આવતા આલોકકુમારે કહ્યું હતું કે, આજનો નિર્ણય ખુબ શાનદાર રહ્યો છે. આશા કરીશું કે હવે સુનાવણી ઝડપથી થશે. જુના નિવેદન અંગે તેમણે કહ્યું હતું કે, એ વખતે સ્થિતિમાં અમારુ જે મુલ્યાંકન હતું તે યોગ્ય હતું. આજના નિર્ણયથી નવી આશા જાગી છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ કહ્યું હતું કે, અમે ગયા વર્ષે માર્ગદર્શક મંડળની બેઠક બાદ સરકારને યાદ અપાવી ચુક્યા છે કે, આ વખતે ચૂંટણી ઢંઢેરામાં પણ રામ મંદિરની વાત કરવામાં આવે. આલોકકુમારે કહ્યું હતું કે, આજનો ચુકાદો અપીલની દ્રષ્ટિએ યોગ્ય છે.

(12:00 am IST)