મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

બિહારમાં જેડીયુ-ભાજપની વચ્ચે ગઠબંધન અતુટ છે :શાહનો દાવો

એનડીએને બિહારમાં તમામ ૪૦ સીટો ઉપર જીત મળશે :આવનાર સમયમાં જેડીયુ તેમજ ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે :દેશની જનતા ૫૫ વર્ષના શાસનના હિસાબ કોંગ્રેસની પાસે માંગે છે :અમિત શાહ

પટણા,તા. ૧૨ :બિહારમાં એનડીએ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને આજે ભાજપ પ્રમુખ અમિત શાહ અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમારે આશરે ૪૫ મિનિટ સુધી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પટણામાં થયેલી આ બેઠક બાદ એક સભાને સંબોધતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન અટુટ છે અને આવનાર સમયમાં બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. શાહે દાવો કર્યો હતો કે, ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને બિહારની તમામ ૪૦ સીટ ઉપર જીત મળશે. બિહારમાં જ્ઞાન ભવનમાં પોતાની સભા દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે,  ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ ગઠબંધને પૂર્ણ બહુમતિની સાથે સરકાર બનાવવાની છે અને આના માટે કાર્યકરોને પુરતી તાકાત લગાવી દેવી પડશે. શાહે એમ પણ કહ્યું હતું કે, બિહારમં મહાગઠબંધનની કારમી હાર થશે. એનડીએને તમામ ૪૦ સીટ ઉપર જીત મળશે. અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી હાલમાં ભાજપને વારંવાર પ્રશ્નો પુછતા રહે છે અને સરકાર પાસેથી હિસાબ માંગતા રહે છે પરંતુ દેશના લોકો કોંગ્રેસ પાર્ટીથી ચાર પેઢીનો હિસાબ માંગી રહ્યા છે. બધા ઇચ્છે છે કે, ૫૫ વર્ષના શાસનકાળમાં દેશ માટે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું છે. શાહે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે ત્રાસવાદી હુમલાઓ થતાં રહેતા હતા. અમારી સરકાર આવ્યા બાદ ભારતીય સૈનિકો ભારત માતા કી જયના નારા સાથે ત્રાસવાદીઓના ઘરમાં ઘુસીને હુમલા કરી રહ્યા છે. શાહે ઉમેર્યું હતું કે, દેશની પ્રજા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને તક આપી ચુકી છે. આ અમારી જવાબદારી છે કે, લોકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટી પાસેથી દેશના લોકો ચાર પેઢીનો હિસાબ માંગી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, દેશના લોકો તેમની સરખામણી ચાર પેઢીના શાસન સાથે કરીને સરળતાથી તુલના કરી શકે છે. અમિત શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીને કૌભાંડોની ભાષા વધારે સમજાય છે. કારણ કે, તેમના સંબંધો લાલૂ પ્રસાદ યાદવ સાથે રહેલા છે. શાહે એમ પણ કહ્યું હતું કે, હાલમાં મિડિયામાં એવી ચર્ચા છે કે, તમામ લોકો એક સાથે આવી રહ્યા છે. ભાજપને હરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ પુછવા માંગે છે કે, ૨૦૧૪ની ચૂંટણીમાં મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ યાદવ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તમામ તેમની વિરુદ્ધમાં હતા છતાં અમે ૨૦૧૪માં પ્રચંડ બહુમતિ સાથે જીતી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, આ વખતે માત્ર ચંદ્રાબાબુ નાયડુ તેમની સાથે રહ્યા છે. બીજી બાજુ નીતિશકુમાર અમારી સાથે આવી ગયા છે. શાહે કહ્યું હતું કે, મહાન ચાણક્યએ એક વખતે કહ્યું હતું કે, જ્યારે તમામ ચોર એક સાથે થઇ જાય તો સમજી લેવું જોઇએ કે, રાજા બિલકુલ પ્રમાણીક છે.

(7:46 pm IST)