મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

નાના પાટેકર અભિનીત અબ તક છપ્પન ફિલ્મના લેખક રવિશંકર અલોકનો બિલ્ડીંગ ઉપરથી કૂદીને આપઘાત

મુંબઇઃ મુંબઇમાં અબ તક છપ્પન ફિલ્મના યુવા લેખક રવિશંકર અલોકે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રવિશંકર અલોકે બુધવારે બપોરે બે વાગ્યાની આસપાસ આપઘાત કરી લીધો હતો.

અલોકે નાના પાટેકર અભિનિત 'અબ તક છપ્પન' ફિલ્મ લખી હતી. પોલીસને અલોકના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તે ડિપ્રેશનનો શિકાર હતો અને હાલમાં તે મનોચિકિત્સકની સારવાર લઈ રહ્યો હતો. આ અંગે વર્સોવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સોસાયટીના વોચમેનના જણાવ્યા પ્રમાણે થોડા દિવસોથી અલોકના માતાપિતા તેની સાથે રહેતા હતા. પરંતુ તેઓ તાજેતરમાં જ તેમના વતન પટના ગયા હતા. વોચમેને વધુમાં કહ્યું હતું કે સામાન્ય રીતે બિલ્ડિંગની ટેરેસ બંધ રહે છે, પરંતુ અલોક ત્યાં કેવી રીતે પહોંચી ગયો તે અંગે કોઈ જાણકારી નથી.

બિલ્ડિંગ પરથી નીચે કૂદ્યા બાદ અલોકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લેખકની સાથે જ રહેતો તેનો ભાઈ બનાવ સમયે ઘરે હાજર ન હતો. ઝોન-9ના નાયબ પોલીસ કમિશ્નર પરમજીતસિંઘ દહિયાએ જણાવ્યું હતું કે આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અલોક છેલ્લા એક વર્ષથી ડિપ્રેશનનો શિકાર હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી હતી.

(5:43 pm IST)