મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

શાહ સાથે નાસ્તો કરી નીતિશકુમાર હસતા મોઢે બહાર નીકળ્યા : શું સીટો પર વાત બની ?

૪૫ મિનિટ ચાલેલી મુલાકાત બાદ જેડીયુ કે બીજેપી તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી

નવી દિલ્હી તા. ૧૨ : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સવારે નાસ્તા પર મુલાકાત કરી. જેડીયુ એનડીએમાં પરત ફર્યા બાદ અમિત શાહની આ પહેલી બિહાર મુલાકાતમાં આ બંને નેતાઓની મુલાકાત આવનારા દિવસોની રાજકીય તસવીરની દશા અને દિશાની દ્રષ્ટિથી ખૂબ જ અગત્યની છે. ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં ચહેરો કોનો હશે અને કંઇ પાર્ટીને કેટલી સીટો મળશે, આ બંને પ્રશ્નોનો રસ્તો એનડીએના કોઇ પક્ષને સૂઝતી નથી. કહેવાય છે કે અમિત શાહ અને નીતીશ કુમારની મુલાકાત આ પ્રશ્નોની આજુબાજુ કેન્દ્રિત છે. અડધા કલાકથી વધુ ચાલેલી આ મુલાકાત બાદ નીતીશ કુમાર હસતા-હસતા બહાર તો નીકળ્યા પરંતુ જેડીયુ કે ભાજપ કોઇ પક્ષની તરફથી કોઇનું નિવેદન સામે આવ્યું નથી.

બિહારમાં એનડીએની સામે સૌથી જટિલ પ્રશ્ન સીટ શેરિંગનો જ છે. જેડીયુ જયાં ૨૦૧૫ના વિધાનસભા ચૂંટણીના પરિણામ પર સીટ શેરિંગ ઇચ્છે છે ત્યાં ભાજપની માંગ છે કે ૨૦૧૪ના આધાર પર સીટો વહેંચવામાં આવે. ૨૦૧૪ના લોકસભા ચૂંટણીમાં ભાજપ (૨૨), એલજેપી (૬) અને આરએલએસપી (૩)ની એક સાથે ચૂંટણી લડી ૪૦માંથી ૩૧ સીટો પર જીત નોંધાવી હતી. એવામાં જોવાનું એ અગત્યનું રહેશે કે નીતીશ અને શાહની મુલાકાત શું આ પેચને ઉકેલી શકશે.

મીડિયા રિપોર્ટસના મતે નીતીશ કુમાર ઇચ્છે છે કે બિહારમાં એનડીએનો ચહેરો તેમને જ બનાવામાં આવે. જો કે નીતીશની આ ઇચ્છા પર સાસારામના ભાજપના સાંસદ છેદી પાસવાન એક પ્રહાર કરી ચૂકયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છેદી પાસવાને કહ્યું છે કે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડાશે. જો કે રિપોર્ટસ એ તરફ પણ ઇશારો કરી રહ્યું છે કે ભાજપને નીતીશની આ માંગણી પર કોઇ મુશ્કેલી નથી પરંતુ એલજેપી અને આરએલએસપી એ હજુ પોતાનો રસ્તો સાફ કર્યો નથી.

હવે નીતીશ કુમાર અને અમિત શાહ ડિનર પર મળશે. જયાં સુધી બંનેની તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવતું નથી કોઇ પરિણામ પર પહોંચી શકાય નહીં. કહેવાય છે કે અમિત શાહ બપોરે પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરવાના છે.

 

(4:01 pm IST)