મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

વોટ્સએપ પર કોઇપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા જાણી લેજો આ કાયદા

સોશિયલ મીડિયા પર વધ્યા ફેક ન્યુઝના કિસ્સા : ફેક ન્યુઝના કારણે હિંસાની ઘટના વધી

નવી દિલ્હી તા. ૧૨ : હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વધી રહેલી ફેક ન્યૂઝની ઘટનાઓ સરકાર માટે માથાના દુઃખાવા સમાન બની છે. કોઈપણ પ્રકારના તથ્યો વિના વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ એપ્સના માધ્યમથી જે પ્રકારે ફેક ન્યૂઝ એકથી બીજા ગ્રુપમાં શેર થઈ રહી છે, તેના કારણે હિંસાખોરીની સમસ્યા વધી છે. થોડા સમય અગાઉ દેશભરમાં ચોટલી કાપવાની અફવા ફેલાઈ હતી, તો હાલમાં બાળક ચોરતી ગેંગની અફવા ફેલાઈ રહી છે. આવી અફવાઓના કારણે નિર્દોષ લોકો સાથે હિંસાની ઘટના વધી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજિત ૩૦થી વધુ નિર્દોષ લોકોનો મોત નિપજયાં છે.

ઈન્ડિયા સ્પેન્ડના એનાલિસીસ મુજબ ૧લી જાન્યુઆરી ૨૦૧૭થી ૫ જુલાઈ ૨૦૧૮ સુધીમાં કુલ ૬૯ જેટલી હિંસાખોરીની ઘટના સોશિયલ મીડિયા પર ફેલાતી ફેક ન્યૂઝના કારણે બની છે. આ ઘટનામાં ૩૩ લોકોના મૃત્યુ થયા છે, જયારે ૯૯ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેવી રીતે ફેક ન્યૂઝના કારણે હિંસાખોરી વધી રહી છે. સરકારે વોટ્સએપને પણ એપમાં ફેરફાર કરવા માટે ટકોર કરી છે. જોકે, મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે ઈન્ફોર્મેશન એકટ ૨૦૦૮ (IT Act 2008) મુજબ આ પ્રકારના ફેક ન્યૂઝને વાઈરલ કરવા ગુનાપાત્ર પ્રવૃત્તિ છે અને તેના બદલ જેલની સજા થઈ શકે છે.

કોઈ વ્યકિત જાણતો હોય કે માહિતી ખોટી છે તેમ છતાં અન્ય વ્યકિતને ત્રાસ સર્જવા, અસુવિધા અથવા જરૂરવિનાની તણાવ પેદા કરવા મેસેજ વાઈરલ કરે અથવા, કારણ વિના સતત કોઈ વ્યકિતને પરેશાન કરવા ફોન કરે.

આ મેસેજમાં ટેકસ્ટ, ઈમેજ, ઓડિયો કિલપ, વીડિયો કિલપ અથવા અન્ય કોઈ ઈલકટ્રોનિક રેકોર્ડનો સમાવેશ થાય છે.

IT Act 2008ના સેકશન 66 Aની જોગવાઈ મુજબ ફેક ન્યૂઝ ફેલાવીને ઉપદ્રવ ફેલાવનારી વ્યકિતને IPC મુજબ ૩ વર્ષ સુધીની જેલની સજા અને દંડ બંનેની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આથી, જો તમે પણ વોટ્સએપ, ફેકબુક કે અન્ય સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થતા મેસેજને કન્ફર્મ કર્યા વિના અન્ય મિત્રોને ફોરવર્ડ કરતા હોય તો ચેતી જજો.(૨૧.૫)

(11:41 am IST)