મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

વ્યભિચાર વિશેના કાયદામાં ફેરફાર થશે તો લગ્નસંસ્થા ભાંગી પડશે

કેન્દ્ર સરકારે IPCની કલમ ૪૯૭માં કોઇ ફેરફાર નહીં કરવાનો આવી દલીલ કરીને અનુરોધ કર્યો

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્રે બુધવારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે અન્ય પુરુષની પત્ની સાથેના લગ્નેત્તર સંબંધ બાંધનારા માત્ર પુરૂષને જ વ્યભિચાર બદલ સજા કરવાની જોગવાઇ ધરાવતી ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭ને રદ કરવાથી લગ્નપ્રથાનો નાશ થશે.

ગૃહ મંત્રાલયે વ્યભિચારને દંડાત્મક ગુનો ગણતી ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭ની યોગ્યતાને પડકારતી અરજીને કાઢી નાખવાની વિનંતિ સર્વોચ્ચ અદાલતમાં નોંધાવેલા સોગંદનામામાં કરી હતી અને દાવો કર્યો હતો કે કાયદાની આ કલમ લગ્નપ્રથાને ટેકો આપે છે અને તેનું રક્ષણ કરે છે.

તેણે જણાવ્યું હતું કે ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭ અને સીઆરપીસીની કલમ ૧૯૮ (૨)ને રદ કરવાથી લગ્નપ્રથાની પવિત્રતાને નુકસાન પહોંચશે. ભારતીય સમાજમાં લગ્નને ઘણું મહત્ત્વ અપાય છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭માં સુધારા કરવાની બાબતમાં કાયદા પંચના અંતિમ અહેવાલની રાહ જોવાઇ રહી છે.

તેણે જણાવ્યું હતું કે વ્યભિચારને ગુનો નહિ ગણવામાં આવે તો તેનાથી લગ્નપ્રથા નબળી પડી શકે છે. ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭ ૧૫૮ વર્ષ જૂની છે અને તેમાં વ્યભિચારમાં માત્ર પુરુષને ગુનેગાર ઠેરવીને તેને પાંચ વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બન્ને કરવાની જોગવાઇ છે. વ્યભિચારના આવા કિસ્સામાં મહિલા (પત્ની) ગુનેગાર નથી ગણાતી.

સર્વોચ્ચ અદાલતે વ્યભિચારના કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી જાહેર હિતની અરજીનો ઉલ્લેખ કર્યો હતો.

ઇટલીમાં રહેતા મૂળ ભારતીય જોસેફ શાઇને જાહેર હિતની અરજીમાં જણાવ્યું હતું કે વ્યભિચારના ગુનામાં મહિલાને નહિ પણ માત્ર પુરૂષને સજા કરવામાં આવે છે અને તેથી વ્યભિચારના ગુનામાં મહિલાને સાગરીત ગણવામાં પણ ભેદભાવ રખાયો ગણાય.(૨૧.૩)

IPCની કલમ ૪૯૭ હેઠળ વ્યભિચારના કિસ્સામાં પુરૂષ દોષી જણાય તો તેને સજાની જોગવાઇ છે, પરંતુ મહિલા દોષી હોય તો કોઇ પણ જોગવાઇ નથી. એ કાયદો મૂળભૂત રીતે ભેદભાવભર્યો છે.

- પિટિશનર

IPCની ૪૯૭મી કલમ દામ્પત્યનું રક્ષણ પણ કરે છે. આ કલમ કાયદાના ઘડવૈયાઓએ લગ્નસંસ્થાના રક્ષણ માટે ભારતીય સમાજ અને સંસ્કૃતિના માળખાને ધ્યાનમાં રાખીને વિવેકબુધ્ધિથી બનાવી છે. 

- કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

 

(11:39 am IST)