મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

દિલ્હીમાં ISના હુમલાનું ષડયંત્ર નિષ્ફળઃ અફઘાની ત્રાસવાદીની ધરપકડ

ભારતીય સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતાઃ દિલ્હીને હચમચાવવાના 'ઈન્ડીયન પ્લાન્ટ'નો ખુલાસોઃ દિલ્હીમાં ૧૨ જગ્યાએ બોંબ ધડાકા કરવાની યોજના હતીઃ આઈએસ એ ૨૦ જેટલા અફઘાન યુવકોને તૈયાર કર્યા હતાઃ પાકિસ્તાનમાં તાલીમ આપી હતીઃ ભારતમાં જે અફઘાન યુવકને મોકલાયો હતો તે અફઘાન વેપારીનો પુત્ર છેઃ દિલ્હીના લાજપતનગરમાં ભાડે મકાન લઈ રહેતો'તો

નવી દિલ્હી, તા. ૧૨ :. સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ત્રાસવાદી હુમલો કરવાની ઈસ્લામિકની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે આ ખતરનાક આતંકવાદી સમુહના એક મોડયુલમાં ઘુસીને આ યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. આઈએસની આ આતંકી યોજનાને એક અફઘાની આત્મઘાતી હુમલાખોરની ધરપકડ બાદ નિષ્ફળ બનાવી દેવામા આવી છે. આ આતંકવાદી પર સુરક્ષા એજન્સીઓ ૨૦૧૭ના અંતથી નજર રાખીને બેઠા હતા. આમ સુરક્ષા એજન્સીઓની ચોકસાઈથી દિલ્હી ઉપરનો આત્મઘાતી હુમલો ટાળી શકાયો છે. દિલ્હીને હચમચાવવાનો ઈરાદો નિષ્ફળ બની ગયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ આઈએસનો ત્રાસવાદી દિલ્હીમાં એક એન્જીનીયરીંગ કોલેજના છાત્ર તરીકે લાજપતનગર વિસ્તારમાં રહેતો હતો. તેની ધરપકડ બાદ તેને અફઘાનિસ્તાન મોકલી દેવામાં આવ્યો હતો. જાણવા મળે છે કે તે અત્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય બેઈઝમાં કેદ છે. આઈએસનો આ ત્રાસવાદી એટલો પ્રભાવશાળી હતો કે પૂછપરછ દરમ્યાન તેને મળેલી માહિતીને આધારે અમેરિકી સેના અફઘાનમાં તાલીબાન વિરૂદ્ધ અનેક મોટી સફળતા મેળવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અફઘાન, દુબઈ અને દિલ્હીમાં લગાતાર ૧૮ મહિના સુધી ચાલેલા નજર ઓપરેશન હેઠળ એવુ જાણવા મળ્યુ હતુ કે, ૧૨ આઈએસ ત્રાસવાદીનું આ જુથ પાકિસ્તાનમાં ટ્રેઈનીંગ લીધા બાદ અનેક જગ્યાએ બોંબ ધડાકા કરવાનું હતું. જે અફઘાની ત્રાસવાદીને ભારત મોકલાયો હતો તેની ઉંમર લગભગ ૨૦ વર્ષની છે અને તે એક શ્રીમંત વેપારીનો પુત્ર છે.

આ ત્રાસવાદીને દિલ્હીના મહત્વના સ્થળો દિલ્હી એરપોર્ટ, અંસલ પ્લાઝા મોલ, વસંત કુંજ મોલની રેકી કરી આ હુમલા માટે પસંદ કર્યો હતો અને તે સતત અફઘાનમાં પોતાના હેન્ડલર્સ તરફથી નિર્દેશો પ્રાપ્ત કરતો હતો. તેને ભારતીય એજન્ટે લાજપતનગરમાં સુરક્ષીત જગ્યા અપાવી હતી તે પછી ભારતીય એજન્ટને વિસ્ફોટકોની વ્યવસ્થા કરવા જણાવાયુ હતું, ત્યારથી તેના ઘરની બહાર સુરક્ષા એજન્સીઓની વોચ હતી. આઈએસ એ આ મિશનનુ નામ ઈન્ડીયન પ્લાન્ટ રાખ્યુ હતું. અત્રે નોંધનીય છે કે ઈસ્લામી સ્ટેટ ભારતમાં પોતાનો પગ જમાવવા માગે છે. આ માટે અફઘાનના યુવાનોની ભરતી થઈ રહી છે અને તેઓને આત્મઘાતી માનવ બોમ્બ બનાવવાની ટ્રેઈનીંગ પાકિસ્તાનમાં આપવામાં આવી રહી છે. આઈએસ એ ૨૦ અફઘાની યુવકોને તૈયાર કર્યા હતા. તેઓને હથીયાર ચલાવવાથી લઈને બોમ્બ ધડાકાની ટ્રેઈનીંગ આપવામાં આવી હતી.

આઈએસ એ આ ત્રાસવાદીને ભારતમાં રહેવાથી માંડીને ખાવા સુધીની વ્યવસ્થા કરી હતી. આ ત્રાસવાદીની યોજના દિલ્હીની સાથે ૧૨ જગ્યાએ ધડાકા કરવાની હતી. ગુપ્તચર એજન્સીનું કહેવુ છે કે લંડનના માંચેસ્ટર ધડાકામાં પણ આ ગ્રુપનો હાથ હતો. આ લોકોએ ભારતમાં પણ ધડાકા કરવા માટે માંચેસ્ટર ધડાકામાં વપરાયેલા વિસ્ફોટકોની માંગણી કરી હતી.(૨-૬)

 

(11:33 am IST)