મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

લકઝરી આઈટમ્સ મોંઘી થશેઃ ઝીંકાશે ૧ ટકાનો કૃષિ સેસ

સરકારે જીએસટી હેઠળ આવતી લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ એટલે કે ઉપકર લગાવવાને આપી લીલી ઝંડીઃ હાલ આ લકઝરી આઈટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છેઃ ખેડૂતો માટે એમએસપીમાં વધારો જાહેર કરાયા બાદ સરકાર ઉપર આવી પડનાર ૧૫૦૦૦ કરોડનો બોજો સામાન્ય જનની કેડે લદાશેઃ જીએસટીની ૨૮ ટકાની કેટલીક આઈટમ્સ ૧૮ ટકાના સ્લેબમાં લાવવા વિચાર

નવી દિલ્હી, તા. ૧૨ :. ટૂંક સમયમાં લકઝરી આઈટમ્સ મોંઘી થવાની છે. સરકારે જીએસટી હેઠળ આવતી લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ એટલે કે ઉપકર લગાવવાને લીલી ઝંડી આપી દીધી છે. આ લકઝરી આઈટમ્સ પર અત્યારે ૨૮ ટકા જીએસટી લાગે છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ લગાવવાને મંજુરીની મ્હોર લગાવી દીધી છે. હવે તેને ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ થકી જીએસટી કાઉન્સીલને મોકલવામાં આવશે. હાલ જે લકઝરી આઈટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે તેમા એસી, વોશિંગ મશીન, ફ્રીજ, પેઈન્ટસ, સિમેન્ટ, કલર ટીવી, પરફયુમ, ટુવ્હીલર્સ, કાર, એર ક્રાફટ, પાન-મસાલા, સીગારેટ, તમાકુ વગેરે પ્રોડકટ છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડૂતો માટે ખરીફ પાકનો મીનીમમ સપોર્ટ પ્રાઈઝ વધાર્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ટેકાના ભાવ વધારવાથી સરકારી તિજોરી ઉપર લગભગ ૧૫૦૦૦ કરોડનો બોજો પડવાનો છે. જો સરકાર આ ખુદ બોજો ઉઠાવે તો તેનાથી નાણાકીય ખાધ વધી જશે. એવામાં સરકાર પાસે કોઈ વિકલ્પ નથી કે તે આ માટે આવકનો કોઈ અન્ય વિકલ્પ શોધે. આ જ કારણ છે કે હવે કૃષિ સેસ લગાવવાને મંજુરી આપવામાં આવી છે.

નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કૃષિ સેસ લગાવવાથી સામાન્ય ગ્રાહકો પર વધુ અસર નહી પડે. હાલ સરકાર અનેક પ્રકારની રાહત ગ્રાહકોને આપી શકે છે.

જીએસટીના ૨૮ ટકાના સ્લેબમા આવતી કેટલીક આઈટમ્સને ૧૮ ટકાના સ્લેબમા નાખી શકાય તેમ છે પરંતુ આ ફેંસલો આવકનું ગણિત ધ્યાનમાં રાખીને લેવાશે.

અર્થશાસ્ત્રી ડો. આચાર્યનું કહેવુ છે કે સરકાર એક હાથ લેવુ અને બીજા હાથે દેવુ...ની નીતિથી કામ કરે છે. તમે એક તરફ ખેડૂતોને તેમની પ્રોડકટ પર વધુ ભાવ આપી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય લોકો પાસેથી તેની વસુલાત કરી રહ્યા છો.

 જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાં એવી પ્રોડકટ પણ છે જેનો ઉપયોગ સામાન્ય માણસ કરતો હોય છે. કૃષિ સેસ લગાવ્યા બાદ સામાન્ય માણસોએ તેના માટે વધુ પૈસા આપવા પડશે આ ઉચિત નથી.(૨-૨)

 

(11:31 am IST)