મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

૩૫ ખૂંખાર ત્રાસવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં

એલઓસી ઉપર પાકિસ્તાની સેનાના કેમ્પમાં છુપાયા છેઃ ભારતમાં હુમલો કરવા ઘડયુ છે ષડયંત્ર

જમ્મુ, તા. ૧૨ :. ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાના ત્રાસવાદીઓ એલઓસી પર ઘુસણખોરી કરવા માટે તૈયાર થઈને બેઠા છે. એલઓસી નજીક ચાર સ્થળે આ નાલાયકો પહોંચી ગયા છે. તેઓ પાકિસ્તાની સેનાના બંકરો અને કેમ્પોમાં છુપાયા છે. ગુપ્તચર એજન્સીઓ પાસે આ અંગેની માહિતીઓ આવી છે.

ઘુસણખોરી બાદ આ ત્રાસવાદીઓ કોઈ મોટા ફીદાઈન હુમલાને અંજામ આપવાની વેતરણમાં છે. ૩૫ ખૂંખાર ત્રાસવાદીઓ અત્યારે ઘુસણખોરી માટે ટાંપીને બેઠા છે. માછીલ સેકટરમાં સૌથી વધુ ૧૮ ત્રાસવાદીઓ પીઓકેના શારદીની નજીક બેઠા છે. નવગામની સામે પીઓકેના લીપામા ૮, પુંચમાં કાલુ દી ડેરીમાં ૬ અને પુંચના બીંબર ગલીની સામે પીઓકેના કોટલીમાં ૩ ત્રાસવાદીઓ બેઠા છે. એક મહિના પહેલા માહિતી મળી હતી કે, ૪૫૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી માટે બેઠા છે કે જેઓ દેશમાં હુમલો કરવા માગે છે. હવે મળતી છેલ્લી માહિતી મુજબ આ લોકોની સંખ્યા ૩૫ની છે.

કાશ્મીરના ગુરેજ, માછીલ, કેરન, ટંગધાર, નવગામ, ઉડી, પુંચ, બીંબર ગલી, નવશેરા અને રામપુર વિસ્તારની સામે પાકિસ્તાની સેનાના કેમ્પમાં આ ત્રાસવાદીઓ બેઠા છે. આ વિસ્તારમાં ભારતે સર્જીકલ સ્ટ્રાઈક પણ કરી છે. આમ છતા આ નાલાયકો ફરી પાછા આવી ગયા છે. સૂત્રોનું કહેવુ છે કે બીંબર ગલી પાસે ૧૨૦ ત્રાસવાદીઓ મોજુદ છે.

(11:22 am IST)